ADIT ખાતે એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન તાલીમ યોજાઈ
આપત્તિ સમયે સાવચેતી અને વ્યવસ્થાપન અંગે જિલ્લા પ્રોજેક્ટ અધિકારી દ્વારા છાત્રોને વિશેષ માર્ગદર્શન
આગ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં અગ્નિશામક સાધનોના ઉપયોગ અને બચાવ કામગીરીનું કરાયું પ્રાયોગિક નિદર્શન
આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન એકમ અને ADIT કોલેજના સંયુક્ત ઉપક્રમે એ.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (ADIT) ખાતે એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને આપત્તિના સમયે સ્વ-બચાવ અને જન-બચાવની પાયાની કામગીરીથી સજ્જ કરવા માટે આપત્તિ વ્યવસ્થાપન વિષય પર એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં આણંદ જિલ્લા પ્રોજેક્ટ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપન અંગે સર્વગ્રાહી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમણે આપત્તિના વિવિધ પ્રકારો, તેની અસરો અને આપત્તિ સમયે અનુસરવાની થતી કાર્યપદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક સમજ આપી હતી. આ ઉપરાંત, સરકાર અને વહીવટી તંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન માટે કયા પ્રકારનું માળખું કાર્યરત છે અને તેમાં ટેકનિકલ વિદ્યાર્થીઓનો ફાળો કઈ રીતે મહત્વનો બની શકે છે, તે અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના વિશેષ સત્રમાં અગ્નિશમન અને સુરક્ષા અંગે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. આગ લાગે ત્યારે ગભરાયા વગર કઈ રીતે પરિસ્થિતિ પર કાબૂ મેળવવો અને અગ્નિશામક સાધનોનો (Fire Extinguishers) વૈજ્ઞાનિક ઢબે કઈ રીતે ઉપયોગ કરવો, તે અંગેનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓને સાધનો ચલાવવાની પ્રત્યક્ષ માહિતી આપીને તેમને આપત્તિ સામે લડવા માટે માનસિક રીતે તૈયાર કરવામાં આવ્યા હતા. આ તાલીમ થકી વિદ્યાર્થીઓમાં આપત્તિ વ્યવસ્થાપન પ્રત્યે જાગૃતિ કેળવવાનો અને આકસ્મિક સંજોગોમાં એક જવાબદાર નાગરિક તરીકે ભૂમિકા ભજવવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ તાલીમમાં એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આપત્તિ નિવારણની ટેકનિકો વિશે જાણકારી મેળવી હતી.

ADIT ખાતે એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન તાલીમ યોજાઈ

ADIT ખાતે એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન તાલીમ યોજાઈ

ADIT ખાતે એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટે આપત્તિ વ્યવસ્થાપન તાલીમ યોજાઈ