તા. 27 નવેમ્બરના રોજ આણંદ ખાતે ‘પા પા પગલી’ યોજના હેઠળ ‘બાળ મેળોનું આયોજન
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં આણંદના ટાઉનહોલ ખાતે યોજાશે બાળકો માટેનો વિશેષ કાર્યક્રમ
આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા ‘પા પા પગલી’ યોજનાના ઉપક્રમે જિલ્લાના બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે ‘બાળ મેળો ૨૦૨૬’ નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તારીખ ૨૭ નવેમ્બર, શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આણંદના ટાઉનહોલ ખાતે યોજાશે.
આ કાર્યક્રમમાં અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી શ્રી રમણભાઈ સોલંકી, નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ અને સરહદી સુરક્ષા વિભાગના રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જીલુભા સિંધા, આણંદના સાંસદશ્રી મિતેશભાઈ પટેલ, આણંદ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતની મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતિ વીણાબેન ડી. પઢિયાર ઉપસ્થિત રહેશે.
પોષણ અભિયાન અને બાળ વિકાસ પર વિશેષ ભાર ‘પા પા પગલી’ યોજના હેઠળ આયોજિત આ બાળ મેળો પોષણ અભિયાન અને ‘સહી પોષણ – દેશ રોશન’ ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું કદમ છે. આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત આણંદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બાળકોના સર્વાંગી ઉત્થાન માટે વિવિધ આકર્ષણો રજૂ કરવામાં આવશે.