આણંદ જિલ્લામાં NDRF દ્વારા ૯ દિવસીય આપદા પ્રબંધન જનજાગૃતિ અભિયાન યોજાશે
તારીખ 24 નવેમ્બરના રોજ વહેરાખાડી પ્રાથમિક શાળા ખાતે NDRF ની ટીમ દ્વારા કાર્યક્રમ યોજાશે
સંભવિત આપત્તિઓ સામે રક્ષણ મેળવવા આણંદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં NDRFની ટીમ જનતાને આપશે વિશેષ તાલીમ
જિલ્લાના નીચાણવાળા અને પૂર પ્રભાવિત વિસ્તારોમાં NDRFની ટીમ દ્વારા કરાશે સઘન નિરીક્ષણ
આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં સંભવિત કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ સમયે જનતાની સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે તા. ૨૩મી નવેમ્બરથી તા. ૦૨ ડિસેમ્બર સુધી ૯ દિવસીય જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા વડોદરાના જરોદ સ્થિત ૬ઠ્ઠી બટાલિયન રાષ્ટ્રીય આપદા મોચન દળ (NDRF)ના સહયોગથી આ વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત NDRFની એક વિશેષ ટીમ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જઈને લોકોને આપદા પ્રબંધન અંગે માહિતગાર કરશે અને આપત્તિ સામે લડવા સજ્જ કરશે.
આ કાર્યક્રમના માધ્યમથી જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન બાબતે વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવશે. આ ૯ દિવસ દરમિયાન NDRFની ટીમ આણંદ જિલ્લાના આપત્તિ સંભવિત ક્ષેત્રો, નીચાણવાળા વિસ્તારો, પૂરની શક્યતા ધરાવતા સ્થળો અને મહત્વના બંધ તેમજ અન્ય સંવેદનશીલ જળાશયોની મુલાકાત લેશે.
આ મહત્વના સ્થળોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી જરૂરી માહિતી મેળવવામાં આવશે અને સ્થાનિક લોકોને આપત્તિ સમયે કેવી રીતે બચાવ કામગીરી કરવી અને ન્યૂનતમ નુકસાન સાથે કેવી રીતે સુરક્ષિત રહેવું તે અંગે પ્રત્યક્ષ તાલીમ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્ધારિત કાર્યક્રમ અનુસાર આ અભિયાન હેઠળ તા. ૨૪ નવેમ્બરે આણંદ ગ્રામ્યના વહેરાખાડી પ્રાથમિક શાળા ખાતે, ૨૫ નવેમ્બરે આંકલાવના ઉમેટા સ્થિત રાજીવ ગાંધી ભવન, ૨૬ નવેમ્બરે બોરસદના વાલવોડ ખાતે મહીસાગર નદીના પટમાં, મહીસાગર માતા મંદિર પાસે, તારીખ ૨૭ નવેમ્બરના રોજ ખંભાતના રાલજ ખાતે સિકોતર માતાના મંદિર પાસે, તારીખ 28 નવેમ્બર ના રોજ તારાપુરના મોટા કલોદરા સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે અને તારીખ 30 નવેમ્બર ના રોજ સોજિત્રામાં કુનીબા પુસ્તકાલય ખાતે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાનના અંતિમ તબક્કામાં તારીખ ૧ ડિસેમ્બરે પેટલાદની આર.કે. પરીખ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ અને તારીખ ૨ ડિસેમ્બરે આણંદ શહેરની આઈ.ટી.આઈ. ખાતે જનજાગૃતિના કાર્યક્રમો યોજાશે.