આણંદ જિલ્લા તંત્રની ગેરકાયદેસર ખનન સામે લાલ આંખ: ગેરકાયદે ખાણકામ ઝડપાયું
મહી નદી પટ્ટ અને ખાનગી જમીનો ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી અંદાજે રૂપીયા ૩.૯૮ કરોડનો મુદ્દામાલ સાથે સાધનો જપ્ત
આણંદ, બુધવાર, આણંદના જિલ્લા કલેક્ટરશ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ આણંદના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની તપાસ ટીમ દ્વારા આણંદ જિલ્લાના મહી નદી પટ્ટ વિસ્તાર તથા અન્ય સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરીને ગેરકાયદેસર ખાણકામ અને વહન સામે સઘન કાર્યવાહી કરવામાં આવી છે.
આ કાર્યવાહી દરમિયાન આણંદ તાલુકાના માંદવાપુરા/વાસદના મહી નદી પટ્ટ વિસ્તાર ખાતેથી ૦૨ એક્સેવેટર મશીન, ૦૨ યાંત્રિક નાવડી (બોટ) અને ૦૨ રેતી ચાળવાના ચારણા સીઝ કરી આશરે રૂપીયા ૧.૩૨ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં છે. આ ઉપરાંત આંકલાવ તાલુકાના ગંભીરા-બામણગામમાં મહી નદી પટ્ટ વિસ્તાર ખાતેથી કુલ ૦૩ યાંત્રિક નાવડી (બોટ) સીઝ કરી આશરે રૂપીયા ૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બોરસદ તાલુકાના કઠાણા-રામપુરા ખાતેથી ખાનગી માલીકી જમીનમાંથી સાદી માટી ખનીજનું ગેરકાયદેસર ખાણકામ અને વહન બદલ ૦૧ જેસીબી મશીન તથા ૦૧ ટ્રેક્ટર/ટ્રોલી સીઝ કરી અંદાજે રૂપીયા ૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને અજરપુરા-સોલાપુરા રોડ પર રોડ અકસ્માત દરમિયાન તપાસ કરતાં સાદી રેતીનું ગેરકાયદેસર વહન કરતું ૦૧ ટ્રક/ડમ્પર સીઝ કરી અંદાજે રૂપીયા ૪૦ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આણંદ તાલુકાના સારસા ખાતે ખાનગી જમીનમાંથી સાદી માટીનું ગેરકાયદેસર ખાણકામ અને વહન કરવા બદલ કુલ ૦૨ જેસીબી મશીન અને કુલ ૦૪ ટ્રક/ડમ્પર સીઝ કરી અંદાજે રૂપીયા ૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આમ જિલ્લા કલેકટરશ્રીની સૂચના અન્વયે અને તેમના માર્ગદર્શન હેઠળ આણંદના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની તપાસ ટીમ દ્વારા મહી નદી પટ્ટ વિસ્તાર તથા અન્ય સ્થળો પર આકસ્મિક તપાસ હાથ ધરીને કુલ મળીને અંદાજે રૂપીયા ૩.૯૮ કરોડનો મુદ્દામાલ સીઝ કરી નિયમોનુસાર કાયદેસરની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.