ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ધારાસભ્યશ્રી યોગેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આણંદમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

Publish Date : 17/11/2026

તા.૧૫ મી નવેમ્બરના રોજ કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ ખાતે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરાશે

આણંદ, શનીવાર , આદિવાસી સમાજના ગૌરવપૂર્ણ યોગદાન, સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને ભવ્ય ઇતિહાસને જન-જન સુધી પહોંચાડવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તા. ૧૧ થી ૧૮ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આગામી તા.૧૫ નવેમ્બર, ૨૦૨૬ના રવિવારના રોજ કરમસદ સ્થિત સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે આણંદ જિલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આણંદ જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા આદિજાતિ સમાજના સર્વાંગી ઉત્કર્ષ અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. જે અંતર્ગત વિવિધ યોજનાઓ હેઠળ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રહેઠાણ, ભોજન, શિષ્યવૃત્તિ તથા ગણવેશ સહાય, ભોજન બિલ સહાય તેમજ સાધન સહાયનો લાભ પૂરો પાડવામાં આવ્યો છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના નિર્માણના સંકલ્પને સાકાર કરવા માટે આદિજાતિ સમાજનો સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ સુનિશ્ચિત કરી તેમને વિકાસની મુખ્ય ધારામાં અગ્રેસર બનાવવા આણંદ જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે.

આ ગૌરવપૂર્ણ અવસરે આણંદ જિલ્લાના તમામ નાગરિકો, પ્રબુદ્ધ શ્રેષ્ઠીઓ, યુવાનો તેમજ વિશેષ કરીને આણંદ જિલ્લામાં રહેતા આદિજાતિ સમાજના ભાઈઓ-બહેનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઉજવણીમાં સહભાગી બનવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.