અખબારી યાદી
સોજીત્રાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ દ્વારા પોતાના માસિક વેતનનો ચેક ઋણજની શાળાને અર્પણ કરાયો
આણંદ, શુક્રવાર , સોજીત્રા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ દ્વારા લોકસેવા અને સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. તેઓ ધારાસભ્ય તરીકે પોતાને મળતું માસિક વેતન દર મહિને વિવિધ શૈક્ષણિક તેમજ આરોગ્યલક્ષી સંસ્થાઓના વિકાસ અર્થે અર્પણ કરે છે. આ સેવાયજ્ઞ અંતર્ગત વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણના સ્તરને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી તેઓ નિયમિતપણે યોગદાન આપી રહ્યા છે.
આ સેવાકીય પરંપરાને આગળ ધપાવતા આજરોજ સોજીત્રા તાલુકાના ઋણજ ગામે આવેલી શ્રીમતી શાન્તાબેન સોમાભાઈ પટેલ વિદ્યામંદિર ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગોકુલધામ નારના કોઠારી સંત પ.પૂજ્ય શ્રી સુકદેવ પ્રસાદ સ્વામીના વરદ હસ્તે ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલના એક માસના વેતનનો ચેક શાળા મંડળના પ્રમુખશ્રી તથા શાળાના આચાર્યશ્રીને વિધિવત રીતે અર્પણ કરવામાં આવ્યો હતો.
ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલના આ ઉમદા સહયોગ બદલ શાળા પરિવાર તેમજ ઋણજ ગ્રામજનો દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના હોદ્દેદારો, શિક્ષકગણ અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.