જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬ અંતર્ગત પંચમહાલના દુદુવલ ખાતે ખેડૂત ગોષ્ઠિ યોજાઈ
ICAR-IISWC વાસદ કેન્દ્ર દ્વારા ટીએસપી યોજના હેઠળ જળ અને જમીન સંરક્ષણ અંગે માર્ગદર્શન અપાયું
આણંદ, શુક્રવાર , ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ – ભારતીય મૃદા અને જળ સંરક્ષણ સંસ્થાન (ICAR-IISWC), સંશોધન કેન્દ્ર, વાસદ દ્વારા ‘જનજાતીય ગૌરવ દિવસ ૨૦૨૬’ (તા.૧ થી ૧૫ નવેમ્બર) ની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ જિલ્લાના ભદોરલી ખુર્દ (કરાડા) જળગ્રહણ ક્ષેત્રના દુદુવલ ગામે ખેડૂત ગોષ્ઠિ યોજાઈ હતી. ભવિષ્ય માટે ખેતી’ ને અનુરૂપ વાસદ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને જમીન અને જળ સંરક્ષણ, કુદરતી સંસાધનોનું ટકાઉ વ્યવસ્થાપન, કૃષિ-વનીકરણ તેમજ આબોહવા-અનુકૂળ ખેતી પદ્ધતિઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે વૈજ્ઞાનિકોએ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધીને ખેતીને લગતા તેમના વિવિધ પ્રશ્નોનું સ્થળ પર જ યોગ્ય સમાધાન કર્યું હતું.
ટીએસપી કાર્યક્રમ હેઠળ વાસદ સંશોધન કેન્દ્ર દ્વારા આ વિસ્તારમાં જળસંચય અને સિંચાઈના મહત્ત્વપૂર્ણ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં આશરે ૭૦૦ મીટર લાંબો પરિઘીય પાળો (પેરિફેરલ બંડ), ૩ ચેકડેમનું નિર્માણ અને નવીનીકરણ, ૪ ખુલ્લા કૂવા, ૩ સિંચાઈ પંપ તેમજ આશરે ૨૫ હેક્ટર જમીન માટે ભૂગર્ભ લિફ્ટ સિંચાઈની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ માળખાકીય સુવિધાઓને કારણે ખેડૂતોને પાક-સઘનતા, સિંચાઈ-સઘનતા તેમજ પાકના ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરવામાં નોંધપાત્ર મદદ મળી છે, સાથોસાથ કેટલાક ખેડૂતોએ બાગાયતી પાકોની ખેતી પણ અપનાવી છે.
આ ખેડૂત ગોષ્ઠિના માધ્યમથી ગ્રામ્ય ખેડૂતોમાં કુદરતી સંસાધનોના સંરક્ષણ અને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા અંગે વિશેષ જાગૃતિ આવી છે. ઉપસ્થિત ખેડૂતોએ જમીન અને જળ સંરક્ષણનું મહત્ત્વ સમજીને વાસદ સંશોધન કેન્દ્રની કામગીરી પ્રત્યે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આગામી સમયમાં પણ સંશોધન કેન્દ્ર દ્વારા આ જળગ્રહણ ક્ષેત્રના ખેડૂતોને ક્ષેત્રીય સ્તરે સતત તકનીકી સહયોગ આપવામાં આવશે તેમજ આદિજાતિ ઉપયોજના (TSP) ૨૦૨૬-૨૭ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે ૪૦ જેટલા આદિવાસી ખેડૂતોએ ભાગ લીધો હતો.

જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬ અંતર્ગત પંચમહાલના દુદુવલ ખાતે ખેડૂત ગોષ્ઠિ યોજાઈ