શહેરના રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં મસાજ પાર્લરની આડમાં નશીલા કેફી દ્રવ્યોના સેવન સહિતના ગેરકાયદે કૃત્યો પર નિયંત્રણ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ

Publish Date : 03/11/2026

સ્પા/મસાજ પાર્લરોના સંચાલકોએ કર્મચારીઓની સંખ્યા સહિત ફોટોગ્રાફ સાથેની સપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે

આણંદ, સોમવાર, આણંદ જિલ્લામાં રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા અન્ય ગેરકાયદેસર કૃત્યો ચલાવતા હોવાનું તેમજ કેટલાક અસામાજિક તત્વો આવા સ્પા/મસાજ પાર્લરની આડમાં ગુનાહિત કૃત્યો કરી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા હોવાનું જણાઈ આવ્યું છે. જેને ધ્યાને લઈ વર્તમાન સંજોગોમાં રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ રાષ્ટ્રીય હિત માટે પોલીસ તંત્ર અસરકારક કામગીરી કરી શકે અને જાહેર જનતાનો સહકાર ઉપરોક્ત હેતુસર સાચી દિશામાં મળી રહે તે સારું પ્રવર્તમાન સંજોગોને અનુલક્ષીને જિલ્લામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી શહેરના રહેણાંક વિસ્તારમાં તથા ઔદ્યોગિક વિસ્તારમાં મસાજ પાર્લર ચલાવવાની આડમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા અન્ય ગેરકાયદે કૃત્યો પર નિયંત્રણ મૂકવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી રાહુલ ગમારા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

જે અન્વયે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સ્પા/મસાજ પાર્લરોની આડમાં ગુનાહીત કૃત્યો ન બને તે માટે તેના સંચાલકોએ તેમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિત ફોટોગ્રાફ સાથેની સપૂર્ણ વિગતો સંબંધિત વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.

આ હુકમ તા.૨૪/૦૪/૨૦૨૭ સુધી અમલમાં રહેશે તથા તેનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.