ખંભોળજ કેથોલિક ચર્ચ ખાતે દિવાળીના મેળાને પગલે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર

Publish Date : 29/10/2026

૦૮ નવેમ્બરે ખંભોળજ-ઓડ માર્ગ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ, વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરાઈ

જાહેર જનતાની સુવિધા અને કાયદો-વ્યવસ્થા જાળવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

આણંદ, બુધવાર, આણંદ તાલુકાના ખંભોળજ ખાતે આવેલ કેથોલિક ચર્ચ ખાતે આગામી તા.૦૮/૧૧/૨૦૨૬ના રોજ દિવાળીના તહેવાર નિમિત્તે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળા દરમિયાન ઓડ-સારસા રોડ ઉપર ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાવાની શક્યતાને ધ્યાને રાખીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી રાહુલ ગમારા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) (બી) હેઠળ મળેલી સત્તાની રૂએ આ દિવસે ટ્રાફિક નિયમન માટે ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા મુજબ તા.૦૮/૧૧/૨૦૨૬ના રોજ સવારના ૦૦:૦૦ કલાકથી સાંજના ૧૭:૦૦ (૫:૦૦) કલાક સુધી નિર્ધારિત માર્ગો પર વાહનોની અવરજવર માટે પ્રતિબંધ અને ડાયવર્ઝન અમલી રહેશે. કેથોલિક ચર્ચના દિવાળી મેળાના સ્થળે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ ટ્રાફિક જામ ન થાય તે હેતુથી સારસા તરફથી ખંભોળજ અને ઓડ તરફ જતા ભારે વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.

ટ્રાફિક ડાયવર્ઝન મુજબ સારસા તરફથી ખંભોળજ કે ઓડ તરફ જવા માંગતા વાહનો સીધા જઈ શકશે નહીં. તેના બદલે આ વાહનોએ વૈકલ્પિક રૂટ તરીકે સારસા ચોકડીથી ભાલેજ થઈ ઓડ તરફ જવાનું રહેશે અથવા ઓડ તરફથી આવતા વાહનોએ ભાલેજ થઈ સારસા તરફ જવાનું રહેશે.

આ પ્રતિબંધાત્મક હુકમમાંથી સરકારી વાહનો, એમ્બ્યુલન્સ તથા ફાયરબ્રિગેડના વાહનોને મુક્તિ આપવામાં આવી છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ વિરુદ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.