આણંદ જિલ્લા કલેક્ટર તરીકે શ્રી ઉત્સવ ગૌતમે પદભાર સંભાળ્યો
આણંદ, બુધવાર , આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની બદલી થતાં તેમની જગ્યાએ વર્ષ ૨૦૧૮ બેચના આઈએએસ (IAS) અધિકારી શ્રી ઉત્સવ ગૌતમે આણંદ જિલ્લાના નવા કલેક્ટર તરીકે પદભાર સંભાળી લીધો છે.
કલેકટર શ્રી ઉત્સવ ગૌતમ મૂળ ઉત્તર પ્રદેશના આગ્રાના વતની છે. તેમણે તેમની શૈક્ષણિક કારકિર્દીમાં દેશની પ્રતિષ્ઠિત સંસ્થા એવી IIT પટનામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.Tech ની પદવી મેળવવાની સાથે JNUમાંથી M.A. (Public Management) નો અભ્યાસ પણ પૂર્ણ કર્યો છે. તેમણે સિવિલ સર્વિસિસ પરીક્ષામાં ઉત્કૃષ્ટ સફળતા મેળવીને વર્ષ ૨૦૧૮માં ભારતીય વહીવટી સેવામાં પ્રવેશ કર્યો હતો અને તેમને ગુજરાત કેડર ફાળવવામાં આવી હતી.
આણંદના કલેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલાં શ્રી ઉત્સવ ગૌતમે વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે. તેમણે તેમની કારકિર્દીની શરૂઆતમાં ભાવનગર ખાતે આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે સેવાઓ આપી હતી, ત્યારબાદ તેમણે અમરેલી જિલ્લાના લાઠી ખાતે આસિસ્ટન્ટ કલેક્ટર અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM) તરીકે, ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન, ગાંધીનગરમાં મિશન ડાયરેક્ટર તરીકે ત્યારપછી દાહોદ જિલ્લા વિકાસ અધિકારી તરીકે અને છેલ્લે કચ્છ-ભુજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે ઉત્કૃષ્ટ સેવાઓ આપી છે. વહીવટી ક્ષેત્રે તેમનો આ અનુભવ જિલ્લાના વિકાસ કાર્યોને વધુ આગળ લઈ જવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
આણંદ જિલ્લા કલેક્ટર તરીકે પદભાર સંભાળ્યા બાદ કલેકટર શ્રી ઉત્સવ ગૌતમે જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં સરકારની લોકકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ દ્વારા યોજનાઓના લાભ સરળતાથી છેવાડાના માનવી સુધી પહોંચાડવાની સાથે લોકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે.