પેટલાદ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો , ૧૧ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ

Publish Date : 23/10/2026
પેટલાદ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો , ૧૧ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ

આણંદ, ગુરૂવાર, પેટલાદ તાલુકાના નાગરિકોના પાયાના પ્રશ્નો અને રજૂઆતોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પેટલાદ પ્રાંત કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કલેક્ટરશ્રી એ અરજદારોને રૂબરૂ સાંભળ્યા હતા અને વહીવટી તંત્રના વિવિધ વિભાગોને સ્પર્શતા કુલ ૨૨ પ્રશ્નોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. જે પૈકી ૧૧ જેટલા પ્રશ્નોનો સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.

તાલુકા સ્વાગત કાર્યક્રમની વિગતો મુજબ આ બેઠકમાં અગાઉના મહિનાના બાકી રહેલા ૪ પ્રશ્નો અને ચાલુ માસ દરમિયાન પ્રાપ્ત થયેલા નવા ૧૮ પ્રશ્નો મળીને કુલ ૨૨ અરજીઓ પર ચર્ચા હાથ ધરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ પ્રત્યેક અરજદારની રજૂઆતને ગંભીરતાપૂર્વક સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો. આ પ્રક્રિયાના અંતે ૧૧ પ્રશ્નોનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે બાકી રહેલા ૧૧ પ્રશ્નોના નિરાકરણ માટેની પ્રક્રિયા હાલમાં કાર્યરત હોવાનું  જણાવાયું હતું.

આ કાર્યક્રમ દરમિયાન મુખ્યત્વે આંતરમાળખાકીય સુવિધાઓ અને જનહિતને લગતા મહત્વના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં ધર્મજ કેનાલ પાસે પાકા ડામર રોડનું નિર્માણ, મહારાજ તળાવ પર સંરક્ષણ દીવાલ બનાવવી તેમજ ડેમોલ અને પેટલાદ સીમ વિસ્તારમાં થયેલા દબાણો દૂર કરવા જેવી રજૂઆતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અંત્યોદય રેશનકાર્ડ મેળવવા બાબત, બોરીયા સીમ વિસ્તારમાં બિન-પરવાનગી બાંધકામો સામે કાયદેસરની કાર્યવાહી અને સીટી સર્વે વિસ્તારના પ્રોપર્ટી કાર્ડ સંબંધિત પ્રશ્નો, સામાજિક કલ્યાણ અને સેવાકીય પ્રશ્નો પર ભાર મૂકતા કલેક્ટરે પ્રસુતિ સહાય યોજના હેઠળ બાકી રહેલી સહાયની રકમ, પીએમ કિસાન સન્માન નિધિની અરજીઓ અને એમજીવીસીએલ દ્વારા અપાતા અનિયમિત વીજ પુરવઠા અંગેની ફરિયાદો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ સાથે જ બીએસએનએલ ટાવર હટાવવા અને ૭/૧૨ ના પ્લોટ માપણીમાં રહેલી ક્ષતિઓ સુધારવા જેવા મહેસૂલી પ્રશ્નો અંગે પણ હકારાત્મક અભિગમ સાથે કામગીરી હાથ ધરવા અંગે કલેક્ટરશ્રી એ જરૂરી સૂચનાઓ આપી હતી.

આ બેઠકમાં પેટલાદના પ્રાંત અધિકારી શ્રી કિંજલબેન દેસાઈ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

પેટલાદ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો , ૧૧ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ

પેટલાદ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો , ૧૧ પ્રશ્નોનો સ્થળ પર નિકાલ