બોરસદ નગરપાલિકામાં ૯.૪૯ કરોડના ખર્ચે આધુનિક ટાઉનહોલના નિર્માણને રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની સફળ રજુઆત
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બોરસદને મળશે ભવ્ય ટાઉનહોલની ભેટ
શહેરના મુખ્ય માર્ગ પર અત્યાધુનિક સુવિધાઓ અને સવલતો સાથે નિર્માણ પામશે નવું નજરાણું
સીસીટીવી, ફાયર સેફ્ટી અને સોલાર એનર્જી જેવી ટેકનોલોજીથી સજ્જ હશે નવનિર્મિત ટાઉનહોલ
આણંદ, ગુરૂવાર , ગુજરાત સરકારના શહેરી વિકાસ મિશન દ્વારા બોરસદ નગરપાલિકા વિસ્તારના નાગરિકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીની રજુઆતના પરિણામે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ બોરસદ શહેરમાં એક ભવ્ય અને અત્યાધુનિક ટાઉનહોલ બનાવવા માટે કુલ ૯૪૯.૦૭ લાખ રૂપિયાના અંદાજિત ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને મંજૂરીની મહોર મારવામાં આવી છે, જેનાથી શહેરની સાંસ્કૃતિક અને સામાજિક ગતિવિધિઓને વેગ મળશે.
આ નવનિર્મિત ટાઉનહોલનું નિર્માણ બોરસદ નગરપાલિકાની હદમાં આવેલા રેવન્યુ સર્વે નંબર ૧૭૪૨ ઉપર કરવામાં આવશે. આ જમીન શહેરના મેઈન રોડ અને મુખ્ય સીટી એરિયામાં આવેલી હોવાથી નાગરિકો માટે તે ખૂબ જ સુગમ બની રહેશે. પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી, વડોદરા ઝોન દ્વારા રજૂ કરવામાં આવેલી દરખાસ્તને ધ્યાને રાખીને રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને ત્વરિત મંજૂરી આપી છે, જે બોરસદના શહેરી વિકાસમાં એક નવું સીમાચિહ્ન સાબિત થશે.
ટાઉનહોલના નિર્માણમાં અત્યાધુનિક ટેકનોલોજી અને સુવિધાઓનો સમન્વય કરવામાં આવ્યો છે. મંજૂર થયેલી કુલ રકમમાંથી સિવિલ વર્ક માટે ૪૯૩.૧૩ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, પર્યાવરણની જાળવણી માટે સોલાર સિસ્ટમ અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ટાઉનહોલને આરામદાયક બનાવવા માટે હાઈ-ટેક ઓડિટોરિયમ ચેર, સેન્ટ્રલ એસી (HVAC) સિસ્ટમ, આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને સલામતી માટે સીસીટીવી કેમેરા તથા ફાયર ફાઈટિંગ સિસ્ટમ જેવી પાયાની જરૂરિયાતો માટે પણ વિશેષ બજેટ ફાળવવામાં આવ્યું છે.
આ યોજનાની અમલવારી બોરસદ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે અને તે માટેની ગ્રાન્ટ ગુજરાત શહેરી વિકાસ મિશન મારફતે ફાળવવામાં આવશે. સરકારની શરતો મુજબ, નગરપાલિકાએ આ પ્રોજેક્ટનું વિગતવાર સર્વેક્ષણ કરી ડીપીઆર અને નકશાઓ રજૂ કરવાના રહેશે. વહીવટી મંજૂરી મળ્યાના ૧૨ માસના ટૂંકા ગાળામાં આ કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. માર્ગ અને મકાન વિભાગ પાસેથી ટેકનિકલ મંજૂરી મેળવ્યા બાદ આ પ્રોજેક્ટનું કામ ઝડપભેર શરૂ કરવામાં આવશે, જે આગામી સમયમાં બોરસદના વિકાસમાં યશકલગી સમાન બની રહેશે.