આણંદ જિલ્લામાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર: ૧ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરતા યુવાનો નામ નોંધાવી શકશે
મતદાર યાદી SSR-૨૦૨૭ અંતર્ગત આણંદ જિલ્લામાં ૧૨ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર સુધી હક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારાશે
તારીખ ૧ એપ્રિલ, ૨૦૨૭, ૧ જુલાઈ, ૨૦૨૭ અને ૧ ઓક્ટોબર, ૨૦૨૭ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનારા ભાવી મતદારો પણ એડવાન્સમાં ફોર્મ-૦૬ ભરી શકશે
ઓનલાઇન પોર્ટલ, વોટર હેલ્પલાઇન એપ અને BLO મારફતે નામ નોંધણી કે સુધારાની કામગીરી થઈ શકશે
મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ તા. ૪ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ કરવામાં આવશે
આણંદ, બુધવાર, ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સુચના અનુસાર આણંદ જિલ્લામાં ૧ જાન્યુઆરી, તારીખો એટલે કે ૧ એપ્રિલ, ૨૦૨૭, ૧ જુલાઈ, ૨૦૨૭ અને ૧ ઓક્ટોબર, ૨૦૨૭ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનારા ભાવી મતદારો પાસેથી પણ અત્યારથી જ એડવાન્સમાં ફોર્મ-૦૬ મેળવવામાં આવશે. લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા (SSR-2027)નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી આણંદ દ્વારા આ અભિયાન અંતર્ગત નવા મતદારોની નોંધણી અને યાદીમાં સુધારા-વધારા કરવાની પ્રક્રિયા હાથ ધરવા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ સુધારણા કાર્યક્રમ અંતર્ગત તારીખ ૧-૧-૨૦૨૭ ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનારા તમામ યુવાનોને મતાધિકાર માટે નોંધણી કરાવવાની તક પૂરી પાડવાનો છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા સમયપત્રક મુજબ આણંદ જિલ્લામાં મતદાર યાદીની સુધારણા પ્રક્રિયા તબક્કાવાર રીતે હાથ ધરવામાં આવશે. પ્રક્રિયાના પ્રથમ ચરણમાં મતદાન મથકોનું રેશનલાઇઝેશન અને પુનઃરચના કરવાની કામગીરી ૨ નવેમ્બર, ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ ૧૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સંકલિત મતદાર યાદીના મુસદ્દાની જાહેર પ્રસિદ્ધિ કરવામાં આવશે. આ મુસદ્દા યાદી પ્રસિદ્ધ થયા બાદ નાગરિકો પોતાના નામની ચકાસણી કરી શકશે અને જરૂરી ફેરફારો માટે અરજી કરી શકશે.
નાગરિકો માટે હક-દાવા અને વાંધા અરજીઓ રજૂ કરવા માટેનો સમયગાળો ૧૨ નવેમ્બર, ૨૦૨૬ (ગુરુવાર) થી શરૂ થઈને ૧૧ ડિસેમ્બર, ૨૦૨૬ (શુક્રવાર) સુધીનો નિયત કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન રજૂ થયેલી તમામ અરજીઓનો નિકાલ તારીખ ૨૮ ડિસેમ્બર, ૨૦૨૬ સુધીમાં કરી દેવામાં આવશે. તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, ૪ જાન્યુઆરી, ૨૦૨૭, સોમવારના રોજ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે. હક-દાવા અને વાંધા અરજીઓના સમયગાળા દરમિયાન દરેક મતદાન મથકે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા ખાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.
આ સુધારણા કાર્યક્રમ અંતર્ગત જે યુવા મતદારો ૧ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરે છે તેમની સાથે જ આગામી વર્ષની અન્ય લાયકાત તારીખો એટલે કે ૧ એપ્રિલ, ૨૦૨૭, ૧ જુલાઈ, ૨૦૨૭ અને ૧ ઓક્ટોબર, ૨૦૨૭ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરનારા ભાવી મતદારો પાસેથી પણ અત્યારથી જ એડવાન્સમાં ફોર્મ-૦૬ મેળવવામાં આવશે.
આ ઉપરાંત નામ કમી કરવા માટે ફોર્મ-૭ અને વિગતોમાં સુધારા, ફોટો બદલવા કે સ્થળાંતર માટે ફોર્મ-૮ દ્વારા અરજી કરી શકાશે. જે મતદારો લાયક હોવા છતાં નોંધણીથી બાકી છે તેઓને આ તકનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટર શ્રી દ્વારા મતદારોને ટેકનોલોજીનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. નાગરિકો ચૂંટણી પંચના સત્તાવાર વેબ પોર્ટલ ‘http://voters.eci.gov.in’ અથવા વોટર હેલ્પલાઇન એપ (Voter Helpline App) ના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકશે. આ ઉપરાંત જે નાગરિકો ઓનલાઇન સુવિધાનો ઉપયોગ કરી શકે તેમ નથી, તેઓ પોતાના વિસ્તારના સંબંધિત BLO (બૂથ લેવલ ઓફિસર) મારફતે રૂબરૂ અરજી કરી શકશે. આ સમગ્ર ઝુંબેશમાં મહિલાઓ, દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો અને સમાજના હાસિયામાં રહેલા વિસ્તારોના મતદારોની નોંધણી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશ, તેમ વધુમાં જણાવવામાં આવ્યું છે.