સાંસદશ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે દિશા કમિટીની બેઠક યોજાઈ
ભારત સરકારની વિવિધ યોજનાઓના લાભથી એકપણ વ્યક્તિ વંચિત ના રહે તે જોવા તાકીદ કરતા સાંસદશ્રી મિતેષભાઈ પટેલ
આણંદ, શનિવાર , આણંદના સાંસદશ્રી અને દિશા કમિટીના ચેરમેન શ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા) ની બેઠક સર્કિટ હાઉસ આણંદ ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં સાંસદશ્રી મિતેશભાઈ પટેલે ભારત સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તેમણે ખાસ કરીને વર્ષ ૨૦૨૬-૨૭ ના બીજા ત્રિમાસિક ગાળા (સપ્ટેમ્બર ૨૦૨૬ ના અંત સુધી) દરમિયાન નિર્ધારિત લક્ષ્યાંકો સામે થયેલી કામગીરીની ચકાસણી કરીને આગામી સમયના આયોજન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે પ્રજાલક્ષી પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને સકારાત્મક તેમજ ઝડપી ઉકેલ લાવવા માટે જણાવ્યું હતું.
સાંસદશ્રી મિતેષભાઈ પટેલે વિતેલા ત્રિમાસિક ગાળામાં આણંદ જિલ્લામાં તમામ વિભાગો દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે તેમ જણાવી સૌને અભિનંદન પાઠવ્યા હત. તેમણે અધિકારીઓને જ્યારે પણ સરકારી કચેરીએ આવતા નાગરિકો કે અરજદારો કચેરી બહાર નીકળે ત્યારે તેઓ સંતોષ અને આનંદ અનુભવે તે પ્રકારનો સાનુકૂળ તથા સહાનુભૂતિપૂર્વકનો પ્રત્યુત્તર તેમને ઓફિસમાંથી મળવો જોઈએ તેમ જણાવ્યુ હતુ. વધુમાં સાંસદશ્રીએ અધિકારીઓ જ્યારે પણ ક્ષેત્રીય મુલાકાતમાં જાય ત્યારે તાબાની કચેરીઓ ખાતે સ્વચ્છતા અંગેની ચકાસણી કરવા જણાવ્યુ હતુ.
સાંસદશ્રીએ જિલ્લામા રાસાયણિક ખાતરોના વધુ પડતા વપરાશને કારણે ગામડાઓમાં પીવાના પાણીની ગુણવત્તા પર થતી વિપરીત અસરને નિવારવા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. તારાપુર જેવા વિસ્તારોમાં ચણા, તુવેર, અડદ અને મગ જેવા કઠોળ તથા ડાંગર પકવતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા તેમણે પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત થયેલો માલ ખરીદી લેવાની જવાબદારી તેઓ પોતે લેશે તેવી ખાતરી આપી હતી.
વધુમાં સાંસદશ્રીએ અધિકારીઓને કહયું કે આણંદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના છેવાડાના નાગરિક સુધી શ્રેષ્ઠ રોડ કનેક્ટિવિટી, મજબૂત આરોગ્ય સેવાઓ, શુદ્ધ પીવાનું પાણી, ભારત સરકાર દ્વારા આપવામાં આવતું અનાજ સાચા લાભાર્થીઓને મળે, સિંચાઈનું પાણી ખેડૂતોને મળી રહે તેમજ કેંદ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભથી કોઇપણ વ્યક્તિ વંચિત ના રહે તે માટે સતત કાર્યરત રહેવા જણાવ્યું હતું.
આ ઉપરાંત સાંસદશ્રીએ આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને પ્રજાના આરોગ્ય સાથે કોઈ પણ જાતના સમાધાન વગર ખાદ્ય પદાર્થો ખાસ કરીને પનીર તેમજ અન્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ સામે કડક કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે ફુડ અને ડ્રગ્સ તથા આરોગ્ય વિભાગને જણાવ્યું હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.વી.દેસાઈએ દિશા બેઠકનું સંચાલન કર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જીલુભા સિંધા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી લલિત કુમાર પટેલ, અધિક કલેકટરશ્રી રાહુલ ગમારા, મદદનીશ કલેકટર અને પ્રાંત અધિકારીશ્રી અંજલી ઠાકુર, નાયબ વન સંરક્ષકશ્રી એસ.કે.મીણા, નાયબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એસ.કે.ગરવાલ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી હિતેશ ગઢવી સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાંસદશ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે દિશા કમિટીની બેઠક યોજાઈ

સાંસદશ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે દિશા કમિટીની બેઠક યોજાઈ

સાંસદશ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે દિશા કમિટીની બેઠક યોજાઈ

સાંસદશ્રી મિતેષભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ ખાતે દિશા કમિટીની બેઠક યોજાઈ