આણંદ જિલ્લાના કચલાપુરા ગામે મહિલા ખેડૂત દિવસની ઉજવણી કરાઈ
આણંદ, શુક્રવાર , આણંદ જિલ્લામાં વાસદ સ્થિત ભા.કૃ.અનુ.પ.-ભારતીય મૃદા અને જળ સંરક્ષણ સંસ્થાન (ICAR-IISWC), સંશોધન કેન્દ્ર, વાસદ દ્વારા આણંદ જિલ્લાના કાચલાપુરા ગામે ‘મહિલા ખેડૂત દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં રાજ્યમાં ખેતી અને ડેરી ક્ષેત્રે મહિલાઓના યોગદાનના મહત્વ વિશે જણાવી મહિલાઓ કેવી રીતે ગૃહકાર્યની સાથે-સાથે શિક્ષણ, સંશોધન, ઉદ્યોગ અને ખેતી જેવાં વિવિધ ક્ષેત્રોમાં સક્રિય રીતે કાર્યરત છે તે વિશે જણાવાયુ હતુ. મહિલાઓને તેમની પસંદગીનાં ક્ષેત્રોમાં જરૂરી શિક્ષણ અને તાલીમ પૂરી પાડવામાં આવે, તો રાષ્ટ્ર નિર્માણમાં તેમનું યોગદાન વધુ ઉજાગર થઈ શકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત ઉપસ્થિત મહિલાઓને સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને તેના લાભો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહિલા ખેડૂતોએ ભવિષ્યના કાર્યોમાં ભા.કૃ.અનુ.પ.-ભારતીય મૃદા અને જળ સંરક્ષણ સંસ્થાન, સંશોધન કેન્દ્ર સાથે જોડાઈ આગળ વધવાની આશા વ્યક્ત કરી હતી.
આ તકે કેન્દ્રના વડા ડૉ.એમ.જે.કાલેધોનકર, વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ.અકરમ અહમદ અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ.ડી.દિનેશ, અંકિત સુખવાલ અને ફાર્મ મેનેજર ડી.જી.ડામોર ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ગામની આશરે ૩૦ જેટલી મહિલા ખેડૂતોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.