બોરિયાવી નગરપાલિકા દ્વારા ૧૫% વિવેકાધીન ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સની ખરીદી: બોરિયાવી પંથકના દર્દીઓને સમયસર મળશે સારવાર

Publish Date : 17/10/2026
બોરિયાવી નગરપાલિકા દ્વારા ૧૫% વિવેકાધીન ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સની ખરીદી: બોરિયાવી પંથકના દર્દીઓને સમયસર મળશે સારવાર

આણંદ, શુક્રવાર, બોરિયાવી નગરપાલિકા દ્વારા સ્થાનિક નાગરિકોની સુખાકારી અને આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુ ૧૫% વિવેકાધીન યોજના હેઠળ ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી નવી એમ્બ્યુલન્સની ખરીદી કરવામાં આવી  જેનું  લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવી સેવાથી બોરિયાવી અને તેની આસપાસના વિસ્તારના દર્દીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મોટી સુવિધા પ્રાપ્ત થશે.

સરકારી ગ્રાન્ટનો શ્રેષ્ઠ અને પ્રજાલક્ષી ઉપયોગ કરી બોરિયાવી નગરપાલિકાએ ૧૫% વિવેકાધીન યોજના હેઠળના વિકાસના કામોના ભાગરૂપે નગરપાલિકા દ્વારા જનહિતમાં એમ્બ્યુલન્સ ખરીદવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સેવા શરૂ થવાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આકસ્મિક સંજોગોમાં મોંઘા ખાનગી વાહનોના ભાડામાંથી મુક્તિ મળશે અને કટોકટીના સમયે ઝડપી એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ બનશે.

લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે, નગરના ભૌતિક વિકાસની સાથે સાથે નાગરિકોની સ્વાસ્થ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવી એ નગરપાલિકાની પ્રાથમિકતા છે.