રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં બોરસદ તાલુકાના બોચાસણ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિનો માર્ગ અપનાવવા રાજ્યપાલશ્રીનું આહવાન
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
“ગાય આધારિત ખેતી જ ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા, જીવસૃષ્ટિનું રક્ષણ કરવા અને નવી પેઢીને નિરોગી જીવન આપવાનો એકમાત્ર સચોટ રસ્તો”
“પ્રાકૃતિક ખેતીથી ખેત ઉત્પાદન, જમીનની ફળદ્રુપતા અને જળ સંચયમાં વધારો થાય છે”
“નાના બાળકો પણ ડાયાબિટીસ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓનો ભોગ બની રહ્યા છે”
આણંદ, બુધવાર , રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આણંદ તાલુકાના ઝારોલા ગામે રાત્રિ રોકાણ બાદ સવારે બોચાસણ સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનમાં ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક કૃષિનું માર્ગ અપનાવવા આહવાન કર્યું હતું.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનના ઉદ્દેશ્યને પૂર્ણ કરવા ખેડૂતોને સમજાવતા જણાવ્યું હતું કે જંતુનાશકો અને રાસાયણિક ખાતરોના વધારે પડતા ઉપયોગથી આપણી જમીન ઝેરી બનતી જાય છે. હાર્ટ એટેક, કેન્સર અને કિડની ફેલ જેવી ગંભીર બીમારીઓથી આવનારી પેઢીને સુરક્ષિત રાખવા માટે કુદરતી ખેતી અપનાવવી અનિવાર્ય છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આપણા પૂર્વજોએ આપણને ફળદ્રુપ જમીન વારસામાં આપી હતી, પરંતુ ઝેરી જંતુનાશકો અને ખાતરોના અનિયંત્રિત ઉપયોગથી આપણે તેને બિનઉપજાવ બનાવી દીધી છે. આથી, ધરતીને બંજર બનતી અટકાવવા આપણે સૌએ મળીને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું પડશે. તેમણે ઉમેર્યું હતું કે ખેતરોમાં વપરાતા રાસાયણિક દ્રવ્યો અનાજ અને ફળો દ્વારા માનવ શરીર સુધી પહોંચી રહ્યા છે, જેના પરિણામે નાના બાળકો પણ ડાયાબિટીસ અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓનો ભોગ બની રહ્યા છે.
તેમણે પ્રાકૃતિક ખેતી કરવાથી પાકનું ઉત્પાદન ઘટી જતું હોવાની માન્યતા દૂર કરતાં સ્પષ્ટ કર્યું કે કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુલની તમામ જમીનમાં માત્ર પ્રાકૃતિક ખેતી જ થાય છે અને તેમાં યૂરિયા કે ડી.એ.પી.નું એક ટીપું પણ નાખવામાં આવતું નથી. જ્યાં રાસાયણિક ખેતીમાં પ્રતિ વીઘા મોટો ખર્ચ થાય છે, ત્યાં પ્રાકૃતિક ખેતીનો ખર્ચ નહિવત હોય છે. તેનાથી પાક ઉત્પાદન ઘટતું નથી, પરંતુ જમીનની ગુણવત્તા તથા જળસંચયની ક્ષમતામાં સુધારો થાય છે.
રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત તમામ લોકોને માટી અને ગાયનું રક્ષણ કરવું એ જ સાચો ધર્મ હોવાનું કહી દેશી ગાયની ઉપયોગિતા પર ભાર મૂકતા જણાવ્યું કે ગાય આધારિત ખેતી જ ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા, જીવસૃષ્ટિનું રક્ષણ કરવા અને નવી પેઢીને નિરોગી જીવન આપવાનો એકમાત્ર સચોટ રસ્તો છે.
આ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણના વિવિધ સ્ટોલની રાજ્યપાલશ્રીએ મુલાકાત લઈ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો નિહાળ્યા હતા અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.
પ્રારંભમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ શાબ્દિક સ્વાગત કરીને કાર્યક્રમની રૂપરેખા આપી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે થયેલ પ્રગતિની વિગતો રજૂ કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્યપાલશ્રીનો આ પ્રવાસ કાર્યક્રમ ગ્રામીણ જીવન, પ્રકૃતિ અને ખેડૂતો સાથેના તેમના આત્મીય જોડાણનું ઉત્તમ ઉદાહરણ છે. રાજ્યપાલશ્રીના બોરસદના ઝારોલા ગામે રાત્રિ રોકાણ, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની મુલાકાત તેમજ જાતે હળ ચલાવવા અને ગાયનું દૂધ દોવા જેવી પ્રવૃત્તિઓથી અને રાજ્યપાલશ્રીના માર્ગદર્શનથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવીને જમીનનું સ્વાસ્થ્ય જાળવવા, ખેતીનો ખર્ચ ઘટાડવા અને આવનારી પેઢી માટે સમૃદ્ધ તથા સ્વસ્થ ધરતીનું નિર્માણ કરવા વધુ પ્રેરિત થશે.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જીલુભા સિંધા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, અગ્રણી શ્રી સંજય પટેલ, પ્રાંત અધિકારીશ્રી સહિત કૃષિ વૈજ્ઞાનિકો તથા પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં બોરસદ તાલુકાના બોચાસણ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં બોરસદ તાલુકાના બોચાસણ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં બોરસદ તાલુકાના બોચાસણ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં બોરસદ તાલુકાના બોચાસણ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો