રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બોરસદ તાલુકાના ઝારોલા ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેન્દ્રભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી
રાજ્યપાલશ્રીએ સ્વયં ગાય દોહી, જાતે હળ ચલાવ્યું; ખેડૂતોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવવા અંગે આપ્યું માર્ગદર્શન
સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ : રાજ્યપાલશ્રી
આણંદ, બુધવાર , આણંદ જિલ્લાની બે દિવસીય મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બોરસદ તાલુકાના ઝારોલા ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેન્દ્રભાઈ જશભાઈ પટેલના પ્રાકૃતિક ફાર્મ – ગોકુલ વાડીની મુલાકાત લીધી હતી. અહીં તેમણે જાતે ગાય દોહી હતી અને ખેતરની મુલાકાત લઈ ખેતરમાં જાતે હળ ચલાવી ખેડૂતો સાથે સંવાદ કરી માર્ગદશર્ન આપ્યું હતું. આ તકે તેમણે ફાર્મ પર વૃક્ષારોપણ પણ કર્યું હતું.
રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત દરમિયાન ત્યાં ઉગાવવામાં આવેલ વિવિધ પાકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને પાકોની ગુણવત્તા જોઈ સંતોષ વ્યક્ત કર્યો હતો. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની પ્રક્રિયા તથા તેના લાભો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ તકે ત્યાં ઉપસ્થિત ખેડૂતો સાથે સંવાદ કરતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્ય માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર શ્રેષ્ઠ વિકલ્પ છે. પ્રકૃતિ અને ભગવાને જમીનની ફળદ્રુપતા માટે સ્વયં શ્રેષ્ઠ વ્યવસ્થા બનાવી છે. જંગલોમાં કોઈ જ રાસાયણિક ખાતરો નાખવા પડતા નથી, તેમ છતાં ત્યાં વનસ્પતિ અને વૃક્ષો પૂર્ણપણે ખીલે છે. રાસાયણિક ખાતરો તથા કીટનાશકોના અંધાધૂંધ ઉપયોગથી જમીનમાં રહેલા ઉપયોગી અળસિયા અને સૂક્ષ્મ જીવાણુઓ નષ્ટ પામ્યા છે, જેના કારણે આજે ખેડૂતોને બહારથી નાઇટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસ જેવા તત્ત્વો ઉમેરવા પડે છે. રાસાયણિક ખેતીથી જમીન કઠણ બની ગઈ છે, જ્યારે પ્રાકૃતિક ખેતીથી જમીન ફળદ્રુપ બને છે અને તેમાં નેચરલ વોટર હાર્વેસ્ટિંગ થવાથી વરસાદી પાણી સીધું જમીનમાં ઉતરી જાય છે. જો આપણે રાસાયણિક ખેતી ચાલુ રાખીશું તો આવનારી પેઢીઓ માટે ફળદ્રુપ જમીન કે પીવાનું શુદ્ધ પાણી પણ બચશે નહીં.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટવાને બદલે વધે છે. જમીનનો ઓર્ગેનિક કાર્બન વધવાથી પાકનું ઉત્પાદન આપોઆપ વધે છે. પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઝીરો થઈ જાય છે. ગાય આધારિત આ ખેતીમાં ગૌમાતા દૂધ પણ આપે છે અને ખેતર માટે અમૂલ્ય ખાતર પણ પૂરૂં પાડે છે. પોતાના અનુભવો વાગોળતાં તેમણે ઉમેર્યું હતું કે તેમણે સ્વયં રાસાયણિક ખાતરોનો ત્યાગ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને આજે તેમની જમીન પુનઃ સમૃદ્ધ બની છે.
ફાર્મની આ મુલાકાત વેળાએ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, પ્રાંત અધિકારીશ્રી, આત્મા પ્રોજેક્ટ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ તથા મોડલ ફાર્મ ખેડૂત અને તેમના પરિવારજનો સહિત સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.