‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત

Publish Date : 13/10/2026
'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત

આણંદ ખાતે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ ના ૧૫૦ વર્ષની કરાઈ ભવ્ય ઉજવણી

જિલ્લાની વિવિધ શાળાના ૬,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ માનવ શૃંખલા રચીને આપ્યો દેશભક્તિનો પ્રેરક સંદેશ

આણંદ, સોમવાર , આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ ની રચનાના ૧૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે માતૃભૂમિ વંદનાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ચેતનાને વધુ બળવત્તર બનાવવાના ઉદ્દેશથી યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાઓ અને કોલેજોના ૬,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ‘વંદે માતરમ્’ના તમામ પાંચેય પંક્તિઓના આકારમાં સુમેળબદ્ધ રીતે માનવ શૃંખલા રચીને સંપૂર્ણ ‘વંદે માતરમ્’ નું ગાન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ જિલ્લાના વહીવટી તંત્ર, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આણંદની આ ઐતિહાસિક ધરતી પરથી માતૃભૂમિને વંદન કરવાનો એક અત્યંત પ્રેરણાદાયી પ્રયાસ થયો છે. સ્વતંત્રતાની લડતમાં જે ગીતે દેશને એકસૂત્રતામાં બાંધ્યો હતો, તે ‘વંદે માતરમ્’ પ્રત્યે ગૌરવ અને શ્રદ્ધા પ્રગટ કરવાનો આ પ્રયાસ સમગ્ર દેશ માટે દિશાચિહ્નરૂપ સાબિત થશે. આ આયોજન બદલ તેમણે તમામ સહભાગીઓને બિરદાવ્યા હતા.

આ પ્રસંગે આણંદ જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, આઝાદીની ચળવળમાં અતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર ‘વંદે માતરમ્’ની ભાવના આપણા સૌના હૃદયમાં સદા પ્રજ્વલિત રહે તેવા ઉદ્દેશ્ય સાથે આ ભવ્ય માનવ શૃંખલાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ એકતા અને શિસ્તબદ્ધતા સાથે રચાયેલી આ શૃંખલા દ્વારા રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ ની રચનાના ૧૫૦ વર્ષની માત્ર ઉજવણી જ નથી કરી, પરંતુ સમગ્ર રાષ્ટ્રને દેશપ્રેમનો ઉત્કૃષ્ટ અને સુંદર સંદેશ આપ્યો છે. આ ક્ષણ આણંદ જિલ્લા માટે અત્યંત ગૌરવપૂર્ણ બની રહી છે.

આ તકે ઉપસ્થિત માનવ સમૂહ દ્વારા રાષ્ટ્રવ્યાપી ‘નશાબંધી/વ્યસનમુક્તિ અભિયાન’ અંતર્ગત પણ એક વિશેષ સંકલ્પ લેવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ નાગરિકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સ્વયં, પોતાના પરિવાર અને સમાજને વ્યસનમુક્ત રાખવાની દ્રઢ પ્રતિજ્ઞા લીધી હતી. “સાચું પરિવર્તન પોતાનાથી જ શરૂ થાય છે” એ મૂળ મંત્ર સાથે સમગ્ર આણંદ જિલ્લાને સંપૂર્ણપણે વ્યસનમુક્ત અને ‘ડ્રગ-ફ્રી’ પ્રદેશ બનાવવા માટે સંગઠિત થઈને કાર્ય કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ માતૃવંદના કાર્યક્રમમાં આણંદ કરમસદ મહાનગરપાલિકાના મેયર શ્રી દિપિકાબેન પટેલ, મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી આર.એન.ડોડિયા, પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, ધારાસભ્ય સર્વ શ્રી યોગેશ પટેલ, હર્ષદ પરમાર, અગ્રણી શ્રી સંજયભાઇ પટેલ, અધિક નિવાસી કલેકટરશ્રી લલીતકુમાર પટેલ, પ્રાંત અધિકારીશ્રી અને મદદનીશ કલેક્ટર શ્રી અંજલી ઠાકુર, અધિક કલેકટરશ્રી રાહુલ ગમારા સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ શાળાઓ અને કોલેજોના આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ તથા વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત

'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત

'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત

'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત

‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત