એસ.એસ. હોસ્પિટલ, પેટલાદ ખાતે આરોગ્ય સેવાઓમાં એક જ દિવસમાં ૧,૩૫૩ ઓ.પી.ડી. અને ૪,૪૭૪ લેબ ટેસ્ટ નોંધાયા
છેલ્લા ૩ મહિનામાં ૬૪,૯૧૮ થી વધુ દર્દીઓએ ઓ.પી.ડી. અને ૧૩,૭૦૧ દર્દીઓએ આઇ.પી.ડી. સેવાનો લાભ લીધો
આયુષ્માન ભારત યોજના હેઠળ રૂ. ૧.૮૧ કરોડથી વધુના ખર્ચે ૧,૮૩૩ દર્દીઓને વિનામૂલ્યે ઉત્કૃષ્ટ સારવાર પૂરી પાડવામાં આવી
આણંદ, રવિવાર, ગુજરાત સરકાર દ્વારા સંચાલિત શ્રી સયાજી હોસ્પિટલ (એસ.એસ. હોસ્પિટલ), પેટલાદ આણંદ જિલ્લાના નાગરિકોને શ્રેષ્ઠ અને ગુણવત્તાસભર આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં અગ્રેસર રહી છે. હોસ્પિટલના ઇતિહાસમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કરતા તા. ૦૫/૧૦/૨૦૨૬ ના રોજ એક દિવસના સૌથી વધુ ૧,૩૫૩ ઓ.પી.ડી. અને ૪,૪૭૪ લેબ ટેસ્ટ નોંધાયા છે, તેમ એસ.એસ. હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર કાપડિયાએ જણાવ્યું છે.
ડોક્ટર કાપડિયા એ વધુમાં જણાવ્યું કે એસ.એસ. હોસ્પિટલ પેટલાદ ખાતે દર્દીઓની સુવિધા માટે પ્રસુતિ સેવાઓ, બાળ રોગ, માનસિક રોગ, જનરલ સર્જરી, ફિઝિશિયન, આંખના રોગોની સારવાર, ડી.ઇ.આઇ.સી. વિભાગ, દાંત વિભાગ, હાડકાના રોગોની સારવાર તેમજ ક્લબ ફુટની સારવાર જેવી વિવિધ સુવિધાઓ સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
છેલ્લા ૩ મહિનાની નોંધપાત્ર કામગીરી જુલાઈ થી સપ્ટેમ્બર ઓ.પી.ડી. સેવાઓમાં કુલ ૬૪,૯૧૮ દર્દીઓની નોંધણી
આઇ.પી.ડી. (ઇન્ડોર) સેવાઓમાં ૧૩,૭૦૧ દર્દીઓએ સારવાર મેળવી, ૧,૨૧૪ દર્દીઓની મેજર સર્જરી તથા ૧,૨૦૩ દર્દીઓની માઇનોર સર્જરી કરવામાં આવી, ગાયનેક વિભાગમાં ૩૫૮ સફળ ડિલિવરી નોંધાઇ, રેડિયોલોજી વિભાગમાં ૬,૦૭૯ એક્સ-રે અને ૨,૦૭૩ સોનોગ્રાફી તપાસ કરવામાં આવી, લેબોરેટરી વિભાગમાં ૨,૪૮,૦૦૧ વિવિધ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
આયુષ્માન ભારત યોજના હેઠળ વિનામૂલ્યે સારવાર આપવામાં આવી, ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને આર્થિક બોજ વગર ઉત્તમ સારવાર મળે તે હેતુથી આયુષ્માન યોજના હેઠળ કુલ ૧,૮૩૩ દર્દીઓને રૂ. ૧,૮૧,૩૭,૬૨૦/- ના ખર્ચે મફત સારવાર પૂરી પાડવામાં આવી છે.
સરકારશ્રીના સતત માર્ગદર્શન હેઠળ એસ.એસ. હોસ્પિટલ, પેટલાદની સમગ્ર ટીમ વધુને વધુ દર્દીઓને ગુણવત્તાસભર, ઝડપી અને સંવેદનશીલ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે નિષ્ઠાપૂર્વક કાર્યરત છે.