આણંદ-બોરીયાવી, નડીયાદ માર્ગ પર આવતા-જતા ભારે વાહનો માટે ટ્રાફિક ડાયવર્ઝન અંગેનુ જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
તા.૧૧/૧૦/૨૦૨૬ થી તા.૨૦/૧૦/૨૦૨૬ સુધી રાત્રીના કલાકો દરમિયાન વૈકલ્પિક માર્ગોએ વાહનો ડાયવર્ટ કરવા હુકમ કરાયો
આણંદ, શુક્રવાર , આણંદ રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બોરીયાવી ખાતે આગામી તા. ૧૧/૧૦/૨૦૨૬ થી તા. ૨૦/૧૦/૨૦૨૬ દરમિયાન “માં શક્તિ ગરબા” મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી ગરબા મહોત્સવ દરમિયાન વાહનવ્યવહાર સુચારુ રૂપે સચવાય અને ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે હેતુસર આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી રાહુલ ગમારા (G.A.S.) દ્વારા તેઓને મળેલ સત્તાની રૂએ ભારે વાહનો માટે ટ્રાફિક ડાયવર્ઝન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર તા.૧૧/૧૦/૨૦૨૬ થી તા.૨૦/૧૦/૨૦૨૬ સુધી રાત્રીના ૨૧-૦૦ કલાકથી સવારના ૦૬-૦૦ કલાક દરમિયાન વૈકલ્પિક માર્ગોએ વાહનો વાળવા (ડાયવર્ટ કરવા) હુકમ કરવામાં આવ્યો છે. જાહેરનામા મુજબ, આણંદ તરફથી બોરીયાવી, નડીયાદ તરફ જતા ભારે વાહનો (જેવા કે ટ્રક, ડમ્પર, ટ્રેલર) માટે લાભંવેલ તરફનો માર્ગ બંધ રહેશે. આ વાહનો વૈકલ્પિક માર્ગ તરીકે આણંદ ઇન્દિરા સર્કલથી સામરખા ચોકડી થઈને અથવા આણંદ સંકેત સર્કલથી બાકરોલ અને વડતાલ થઈને બોરીયાવી, નડીયાદ તરફ જઈ શકશે. તેજ રીતે નડીયાદ, બોરીયાવી તરફથી આણંદ તરફ જતા ભારે વાહનો (જેવા કે ટ્રક, ડમ્પર, ટ્રેલર) માટે લાભંવેલ તરફના માર્ગ પર જઈ શકશે નહિં, આ વાહનો વૈકલ્પિક માર્ગ તરીકે સામરખા ચોકડી થઈને આણંદ ઇન્દિરા સર્કલ થઈ અથવા વડતાલ અને બાકરોલ થઈને સંકેત સર્કલથી આણંદ તરફ જઈ શકશે.
આ જાહેરનામુ સરકારી વાહનો, એમ્બ્યુલન્સ સેવા અને ફાયરબ્રિગેડના વાહનોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.