પેટલાદના પાડગોલ ગામે ‘સેવાસેતુ ૨.૧’ કાર્યક્રમ યોજાયો: ગ્રામજનોને ઘરઆંગણે વિવિધ સરકારી સેવાઓનો લાભ મળ્યો
જનકલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ કરતા પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં ગ્રામજનોને પારદર્શક વહીવટ અને સુવિધાઓનો સીધો લાભ પ્રાપ્ત
આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના પાડગોલ ગામે ‘સેવાસેતુ-૨.૧ ગ્રામ્ય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવા, સુવિધા અને સ્વચ્છતાના ત્રિવેણી સંગમ સાથે ગ્રામ્ય વિકાસ તરફ મજબૂત ડગલાં માંડવાના આશયથી યોજાયેલા આ કાર્યક્રમમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ ગ્રામજનોને ઘરઆંગણે પૂરો પાડવામાં આવ્યા હતા. આ પહેલ દ્વારા વિવિધ અરજીઓ, પ્રમાણપત્રો અને લોકોપયોગી સરકારી સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવાતા નાગરિકોના સમયની મોટી બચત થઈ છે.
આ પ્રસંગે પેટલાદના પ્રાંત અધિકારી શ્રી કિંજલબેન રબારીએ જણાવ્યું હતું કે, ‘સેવાસેતુ’ના માધ્યમથી વહીવટી તંત્ર લોકોની સમીપ જઈ રહ્યું છે, જેનાથી પારદર્શકતા વધી છે તેમ જણાવી ગ્રામજનોને સરકારી સેવાઓનો મહત્તમ લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ‘સ્વચ્છ ગામ–સ્વસ્થ ગામ’ના સંકલ્પને જનભાગીદારીથી સાકાર કરવા માટે સૌને આહ્વાન કરવામાં આવ્યું હતું.
આ સમયે પ્રાંત અધિકારી શ્રી કિંજલબેન રબારીએ આંગણવાડીની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં બાળકોના સ્વાસ્થ્ય અને આરોગ્ય વિષયક સુવિધાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સેવા, સુવિધા અને સ્વચ્છતાના આ અભિયાનમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ યોજનાકીય લાભો મેળવ્યા હતા.
આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓએ ઉપસ્થિત રહી ગ્રામજનોની રજૂઆતોનો હકારાત્મક નિકાલ કર્યો હતો.
પાડગોલ ખાતેના આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રણજીતસિંહ પરમાર, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી જયેશભાઇ પરમાર, આણંદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન વાઘેલા, ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી શ્રી ભરતસિંહ ચૌહાણ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ગુણવંત ઇસરવાડીયા, જિલ્લા પંચાયત સભ્ય શ્રી સુરેશભાઈ સોલંકી, અગ્રણીઓશ્રી વિજયભાઈ ચાવડા, શ્રી અલ્પેશભાઈ પટેલ, શ્રી દીપકભાઈ ઠાકોર, શ્રી મુકેશભાઈ પટેલ અને શ્રી કિરીટભાઈ પટેલ (સ્વામી), પેટલાદ તાલુકા પંચાયત સભ્ય શ્રી ગીતાબેન સોલંકી, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી વિક્રમસિંહ પરમાર, પાડગોલ ગામના સરપંચ શ્રીમતી તારાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.