EPFO દ્વારા કામદારોની વેતન મર્યાદા ₹15,000થી વધારી ₹25,000 કરાઈ
કર્મચારીઓના નિવૃત્તિ ભંડોળમાં થશે વધારો
પ્રાદેશિક કચેરી અમદાવાદ દ્વારા કામદારો અને નોકરીદાતાઓને નવી જોગવાઈઓનું પાલન કરવા અનુરોધ
આણંદ, સોમવાર, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા કામદારોના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા યોગદાન માટેની વેતન મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. લાખો શ્રમિકોની સામાજિક સુરક્ષાના વ્યાપને વધુ મજબૂત બનાવવાના હેતુથી પ્રવર્તમાન વેતન મર્યાદા ₹15,000 પ્રતિ માસથી વધારીને હવે ₹25,000 કરવામાં આવી છે.
આ નિર્ણય અંગે વિગતો આપતા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન, પ્રાદેશિક કચેરી વટવાના પ્રાદેશિક ભવિષ્ય નિધિ કમિશનર-I શ્રી યોગેન્દ્ર સિંહ શેખાવતે જણાવ્યું હતું કે વેતન મર્યાદામાં કરવામાં આવેલો આ વધારો કામદારોની સામાજિક સુરક્ષા વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવશે. આ ફેરફારને કારણે કર્મચારીઓને તેમની નિવૃત્તિ માટે વધુ બચત કરવાની તક મળશે, જે તેમના ભવિષ્યને આર્થિક રીતે વધુ સુરક્ષિત બનાવશે. સંગઠન હંમેશા કામદારોને મળતા લાભો પારદર્શક અને કાર્યક્ષમ રીતે ઉપલબ્ધ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહે છે.
આ નવી જોગવાઈઓના અમલીકરણ સંદર્ભે શ્રી યોગેન્દ્ર સિંહ શેખાવતે તમામ કર્મચારીઓ અને નોકરીદાતાઓને ખાસ અપીલ કરી છે કે તમામ સંબંધિત પક્ષકારોએ EPFO અને વટવા પ્રાદેશિક કચેરીના અધિકૃત માધ્યમો દ્વારા નવી જોગવાઈઓ અંગે સતત માહિતગાર રહેવું જોઈએ. કામદારોને મળવાપાત્ર સામાજિક સુરક્ષાના લાભો સમયસર અને કોઈ પણ અવરોધ વિના પ્રાપ્ત થાય તે માટે નિયમોનું ચુસ્તપણે અનુપાલન કરવું અત્યંત આવશ્યક છે.