ઉમરેઠ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ
ખેડૂતોને મળશે શુદ્ધ ઉત્પાદનોનું યોગ્ય બજાર અને ગ્રાહકોને મળશે કેમિકલ મુક્ત સ્વાસ્થ્યવર્ધક આહાર
રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન
આણંદ, સોમવાર : આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકા ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલશ્રી અને મુખ્યમંત્રીશ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં એકસાથે હાથ ધરવામાં આવેલા પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રોના સામૂહિક લોકાર્પણ અભિયાનના ભાગરૂપે ઉમરેઠ ખાતે ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમારના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમના માધ્યમથી ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો માટે યોગ્ય બજાર પૂડું પાડવાનો અને ગ્રાહકોને ઝેરમુક્ત, શુદ્ધ અને સ્વાસ્થ્યવર્ધક અનાજ, કઠોળ તેમજ શાકભાજી ઉપલબ્ધ થશે તેમ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમારે જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ વેચાણ કેન્દ્રો કાર્યરત થવાથી ઉમરેઠ તાલુકાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે પ્રોત્સાહન વધશે અને તેમને પોતાના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળતા તેઓ આર્થિક રીતે વધુ સમૃદ્ધ બનશે.
ધારાસભ્યશ્રી હર્ષદભાઈ પરમારએ જણાવ્યું કે “પ્રાકૃતિક ખેતી અપનાવીએ, હવા, પાણી, ખોરાક અને જમીન બચાવીએ” એ માત્ર સૂત્ર નથી પરંતુ પર્યાવરણ સુરક્ષા માટેનો સંકલ્પ છે. આ પ્રકારના વેચાણ કેન્દ્રો ખેડૂતો અને માનવસમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેનાથી વધુમાં વધુ ખેડૂતો રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી પ્રવિણસિંહ પરમાર, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન શ્રી કેતનભાઈ પટેલ, ન્યાય સમિતિ ચેરમેન શ્રી કિશનભાઈ વસાવા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પુનિતાબેન પટેલ, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામક ઉમરેઠ તથા આત્મા પ્રોજેક્ટના બ્લોક ટેક્નોલોજી મેનેજર, અગ્રણીઓ સર્વ શ્રી વિમલભાઈ પટેલ, શ્રી દેવસિંહ રાજ, શ્રીમતી હીનાબેન ભટ્ટ, શ્રી સુભાષભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

ઉમરેઠ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ

ઉમરેઠ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ

ઉમરેઠ તાલુકામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રોનું લોકાર્પણ