બાકી મિલકત વેરો ભરપાઈ કરી શહેરના વિકાસમાં સહભાગી બનવા કરમસદ-આણંદ મહાનગરપાલિકાની અપીલ
વેરો ભરપાઈ ન કરનાર 10 દુકાનોને સીલ કરવાની ફરજ પડી
અન્ય મિલકત ધારકો પાસેથી સ્થળ પર જ કુલ રૂ. 2,12,000/- ના બાકી વેરાની વસૂલાત કરવામાં આવી
આણંદ, શુક્રવાર,: કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારને વધુ સુવિધાસભર અને સુસજ્જ બનાવવાના ઉદ્દેશ્ય સાથે મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન વસૂલાત ઝુંબેશને સફળતા મળી છે.
શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિક સુવિધાઓના સુચારુ સંચાલન માટે મિલકત વેરાની સમયસર વસૂલાત અત્યંત મહત્વપૂર્ણ છે. આ બાબતને ધ્યાને રાખીને રિકવરી ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન જાગરૂક મિલકત ધારકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને સ્થળ પર જ કુલ રૂ. 2,12,000/- ના બાકી વેરાની રોકડ વસૂલાત કરવામાં આવી હતી.
મહાનગરપાલિકા દ્વારા વેરો ભરપાઈ ન કરનાર મિલકતો સામે નિયમાનુસાર પગલાં ભરતાં, રૂ. 2,46,000/- નો વેરો બાકી ધરાવતી 10 દુકાનોને સીલ કરવાની ફરજ પડી હતી.
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને એક જવાબદાર નાગરિક તરીકે પોતાની મિલકતનો બાકી વેરો સમયસર ભરપાઈ કરવા અપીલ કરે છે. બાકી વેરો ધરાવતા તમામ નગરજનો વહેલી તકે પોતાના બાકી વેરાની ચુકવણી કરી જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.