બોરસદ ડિવિઝનમાં એમજીવીસીએલ દ્વારા લોકનાટ્યના માધ્યમથી વીજ સુરક્ષા અને જનજાગૃતિનો સંદેશ આપ્યો
Publish Date : 30/09/2026
ગ્રામીણ વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર અને પીએમ સૂર્ય ઘર યોજના વિશે શેરી નાટકના માધ્યમથી માહિતગાર કરાયા
સિસ્વા, સારોલ અને વહેરા જેવા ગામડાઓમાં કલાકારોએ જીવંત અભિનય દ્વારા સ્માર્ટ મીટરની પારદર્શિતા અને સૌર ઊર્જાના ફાયદાઓ વિશે ગ્રામજનોમાં ફેલાઈ સકારાત્મક જાગૃતિ
આણંદ, મંગળવાર, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL), આણંદ વર્તુળના માર્ગદર્શન હેઠળ બોરસદ વિભાગીય કચેરી દ્વારા ગ્રામીણ વીજ ગ્રાહકોમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે શેરી નાટકોનું આયોજન કરવામાં આવ્યું છે. વીજ સુરક્ષા, ઊર્જા ક્ષેત્રે આવી રહેલા આધુનિક પરિવર્તનો અને કંપનીની વિવિધ ગ્રાહકલક્ષી સુવિધાઓ અંગે ગ્રામજનોને સરળ તેમજ મનોરંજક રીતે માહિતગાર કરવાના આશયથી આ વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત બોરસદ ડિવિઝન હેઠળ આવતા સિસ્વા, સારોલ, ધોબીકુઇ અને વહેરા સહિતના વિવિધ સબ-ડિવિઝનના ગ્રામ્ય વિસ્તારોમાં લોકનાટ્ય પ્રદર્શિત કરીને જનસંપર્ક સાધવામાં આવ્યો હતો. આ જનજાગૃતિ અભિયાન અંતર્ગત કલાકારોએ જીવંત અભિનયના માધ્યમથી દૈનિક જીવનમાં અને ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન વીજળીનો સુરક્ષિત ઉપયોગ કઈ રીતે કરવો તે અંગે સમજણ આપી હતી. શોર્ટ સર્કિટ જેવી દુર્ઘટનાઓ નિવારવા અને સંભવિત અકસ્માતોથી બચવા માટેના સુરક્ષાત્મક પગલાંઓ વિશે ગ્રામજનોને અત્યંત પ્રભાવી રીતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ નાટક દ્વારા જનતાને વીજ ઉપકરણોના સાવચેતીભર્યા ઉપયોગ અંગે સતર્ક કરવામાં આવી હતી. ટેકનોલોજીકલ પરિવર્તનોના ભાગરૂપે આ શેરી નાટકોમાં ‘સ્માર્ટ મીટર’ની ઉપયોગિતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સ્માર્ટ મીટર ગ્રાહકો માટેની પારદર્શિતા, સચોટ રીડિંગ અને રીઅલ-ટાઇમ વીજ વપરાશ જાણવાના ફાયદાઓ વિશે કલાકારોએ ગ્રામજનોની મુંઝવણો દૂર કરી હતી. આ સાથે જ કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘પીએમ સૂર્ય ઘર મુફ્ત વીજળી યોજના’ અંતર્ગત સોલાર રૂફટોપ સિસ્ટમ અપનાવી વીજ બિલ શૂન્ય કરવા, પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપવા અને સરકારી સબસિડીનો મહત્તમ લાભ લેવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વીજ ગ્રાહકોની સુવિધા માટે કંપની દ્વારા કાર્યરત હેલ્પલાઇન અને ગ્રાહક સેવા કેન્દ્રોની માહિતી પણ વહેંચવામાં આવી હતી. વીજ સંબંધિત કોઈ પણ ઈમરજન્સી કે સમસ્યાના સમયે ત્વરિત નિકાલ માટે સત્તાવાર કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા અનુરોધ કરાયો હતો.
આ સમયે સિસ્વા, સારોલ, ધોબીકુઇ અને વહેરા પંથકના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બોરસદ ડિવિઝનમાં એમજીવીસીએલ દ્વારા લોકનાટ્યના માધ્યમથી વીજ સુરક્ષા અને જનજાગૃતિનો સંદેશ આપ્યો

બોરસદ ડિવિઝનમાં એમજીવીસીએલ દ્વારા લોકનાટ્યના માધ્યમથી વીજ સુરક્ષા અને જનજાગૃતિનો સંદેશ આપ્યો