આણંદ જિલ્લામાં આંગણવાડી કાર્યકર-તેડાગરની ભરતી
Publish Date : 30/09/2026
અરજીમાં ભૂલ ટાળવા અને ફોર્મ રદ ન થાય તે માટે આણંદ જિલ્લા પ્રશાસનની મહત્વની સૂચનાઓ
આંગણવાડી ભરતી માટે અરજી કરનાર બહેનો માટે માર્ગદર્શિકા જાહેર, માર્કશીટ અને રહેઠાણના પુરાવા અંગે તકેદારી રાખવા અપીલ
આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને તેડાગરની વર્ષ ૨૦૨૬-૨૭ની ભરતી પ્રક્રિયાના ભાગરૂપે અરજદારોની અરજીઓ ક્ષતિરહિત રહે અને ટેકનિકલ કારણોસર રદ ન થાય તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા ખાસ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જાતે ફોર્મ ભરતી વખતે થતી નાની ભૂલોને કારણે અનેકવાર લાયક ઉમેદવારોની અરજીઓ રદ થતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને ઉમેદવારોએ વેબસાઇટ પર ઉપલબ્ધ નિયત નમૂના મુજબનું સ્વ-ઘોષણા પત્ર સચોટ વિગતો સાથે અપલોડ કરવું અનિવાર્ય છે. આ પ્રક્રિયામાં ઉમેદવારે સ્વ-ઘોષણા પત્રમાં પોતાની સહી કરવાની અને તેની સાથે આધાર કાર્ડ જોડવાની બાબતને અગ્રતા આપવાની રહેશે.
રહેઠાણના પુરાવા અંગે સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે અરજદારે જે-તે ગામ કે વોર્ડ માટે મામલતદાર કચેરી દ્વારા આપવામાં આવેલો નિયત નમૂનાનો રહેઠાણનો દાખલો જ રજૂ કરવાનો રહેશે. શૈક્ષણિક લાયકાતની વિગતો ભરતી વખતે માત્ર પૂર્ણ કરેલી ડિગ્રીની વિગતો જ દર્શાવવી અને જો માર્કશીટમાં CGPA કે GPA પદ્ધતિ હોય તો યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા પ્રમાણિત કરેલું માર્કસ કન્વર્ઝન સર્ટિફિકેટ અપલોડ કરવું ફરજિયાત છે. માત્ર ગુણ સાચા લખવાથી અરજી માન્ય રાખવામાં આવશે નહીં, પરંતુ તેની સાથે કન્વર્ટ પ્રમાણપત્ર હોવું અનિવાર્ય છે, જેની ગેરહાજરીમાં અરજી રદ થઈ શકે છે. જો ઉમેદવારે એક કરતા વધુ પ્રયત્ને પરીક્ષા પાસ કરી હોય તો નાપાસ થયેલા વિષયના ગુણ બાદ કરી, પાસ થયેલા વિષયના ગુણ જ ઉમેરવા અને તમામ પ્રયત્નોની માર્કશીટ પણ અપલોડ કરવી જરૂરી છે.
ઓનલાઇન અરજી કરતી વખતે અપલોડ કરવામાં આવતા તમામ દસ્તાવેજો ઓરિજિનલ અને સુવાચ્ય હોવા જોઈએ જેથી ચકાસણીમાં કોઈ અસ્પષ્ટતા ન રહે. ઉમેદવારોએ નામ, જન્મતારીખ, રહેઠાણ અને જાતિની વિગતોની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ જ ‘ફાઇનલ સબમિટ’ બટન દબાવવું જોઈએ. જો ફાઇનલ સબમિટ કર્યા બાદ પણ કોઈ ભૂલ જણાય તો ફોર્મ ભરવાની નિયત સમયમર્યાદામાં જ ઉમેદવારે ફરીથી સુધારેલી અરજી કરી દેવી જોઈએ.
અરજદારોની સરળતા માટે e-hrms પોર્ટલ પર વિડિયો ટ્યુટોરિયલ અને સૂચનાઓ ઉપલબ્ધ કરાવાયા છે. આ પ્રક્રિયામાં કોઈ પણ મુશ્કેલી અનુભવાય તો આણંદ જિલ્લાના અરજદારો નજીકની તાલુકા આઈ.સી.ડી.એસ. કચેરી અથવા હેલ્પલાઇન નંબર ૦૨૬૯૨-૨૬૩૧૩૭ પર સંપર્ક સાધી શકે છે.