વાસદ સંશોધન કેન્દ્ર દ્વારા ખેડાના ભદ્રાસા (જૂના મુવાડા) ગામને દત્તક લેવાયું : અનુસૂચિત જાતિ કલ્યાણ માટે ખેડૂત સંમેલન યોજાયું
Publish Date : 30/09/2026
કૃષિ અને જળ સંરક્ષણના કાર્યો દ્વારા જૂના મુવાડા ગામનો સર્વાંગી વિકાસ કરાશે
ભાકૃઅનુપ-ભારતીય માટી અને જળ સંરક્ષણ સંસ્થા દ્વારા ખેડૂતોના ઉત્થાન માટે નવી કાર્યયોજના તૈયાર કરાઈ
ભાકૃઅનુપ-ભારતીય માટી અને જળ સંરક્ષણ સંસ્થા, સંશોધન કેન્દ્ર, વાસદ દ્વારા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલા ભદ્રાસા (જૂના મુવાડા) ગામ ખાતે અનુસૂચિત જાતિ ઉપયોજના (SCSP) હેઠળ એક પ્રારંભિક ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના ૮૦થી વધુ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં આશરે ૨૦ જેટલી મહિલા ખેડૂતોની સક્રિય ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. આ સંમેલન દ્વારા સંસ્થાએ ગ્રામીણ સ્તરે કૃષિ વિકાસ અને પ્રાકૃતિક સંસાધનોના વ્યવસ્થાપન માટેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં ફાઉન્ડેશન ફોર ઇકોલોજિકલ સિક્યુરિટી (FES) ના પ્રતિનિધિઓએ વાસદ કેન્દ્રની વૈજ્ઞાનિક ટીમનો પરિચય ગ્રામજનો સાથે કરાવ્યો હતો. આ અવસરે વાસદ કેન્દ્રના પ્રમુખ ડૉ. એમ. જે. કલેધોંકર, વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. ડી. દિનેશ, લેન્ડ એન્ડ વોટર મેનેજમેન્ટ એન્જિનિયરિંગના નિષ્ણાત ડૉ. ગૌરવસિંહ, વૈજ્ઞાનિક ડૉ. એન. કે. મીના અને વરિષ્ઠ ટેકનિકલ અધિકારી એન્જિ. આનંદકુમાર ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ પંચાયતના સરપંચ એન્જિ. દીપકભાઈએ તમામ મહાનુભાવો અને ખેડૂતોનું હાર્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્ર પ્રમુખ ડૉ. એમ. જે. કલેધોંકરે જૂના મુવાડા ગામને SCSP કાર્યક્રમ હેઠળ દત્તક લેવાની ઔપચારિક જાહેરાત કરી હતી અને ગામના લાંબાગાળાના વિકાસ તેમજ ખેડૂતોના કલ્યાણ માટે કેન્દ્રનો સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
સંસ્થાની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માહિતી આપતા ડૉ. ગૌરવસિંહે SCSP યોજનાના ઉદ્દેશ્યો અને વાસદ કેન્દ્ર દ્વારા આ યોજના હેઠળ મેળવેલી અગાઉની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. ડી. દિનેશે ખેડૂતોને આ કાર્યક્રમની સફળતા માટે એકજૂથ થઈ સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વૈજ્ઞાનિક અભિગમ અને ખેડૂતોના સહયોગથી જ ખેતીને વધુ ઉત્પાદક બનાવી શકાય છે. સંમેલન દરમિયાન ઉપસ્થિત ખેડૂતોએ પણ કેન્દ્રના આ પ્રયાસોને આવકારીને ગામના વિકાસમાં પૂરતો સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી.
સંમેલનના દ્વિતીય ચરણમાં વર્તમાન વર્ષ માટેની કાર્યયોજના ઘડવા માટે ખેડૂતો અને વૈજ્ઞાનિકો વચ્ચે ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં ગામની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નળકૂવા નિર્માણ, ખેતર સમતલીકરણ અને ખેતરની મેઢબંધી જેવી પાયાની અને અત્યંત મહત્વની કૃષિ પ્રવૃત્તિઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવિત કામગીરીને વેગ આપવા માટે વાસદ કેન્દ્ર અને FES ની સંયુક્ત ટીમ દ્વારા ગામના ખેતરોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને નિર્ધારિત કાર્યો માટે યોગ્ય સ્થળોની પસંદગી પણ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વરિષ્ઠ ટેકનિકલ અધિકારી આનંદકુમારે આભારવિધિ કરી હતી.