Close

અખબાર યાદી

Publish Date : 28/09/2026

આણંદ જિલ્લા પ્રશાસનની સેવા અને સમર્પણની નવી પહલ
જિલ્લામાં  ‘યુવા સેવા સંકલ્પ સ્વયંસેવક’ અભિયાનનો શુભારંભ
મારું આણંદ, મારૂં ગૌરવ : યુવાનોમાં સમાજસેવાની ભાવના જગાડવા ૨૬ જેટલી વિવિધ સેવા પ્રવૃત્તિઓ માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ
વિકસિત આણંદ તરફ એક કદમ : ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે ‘યુવા સેવા સંકલ્પ સ્વયંસેવક’ પોર્ટલ ડિજિટલ લોન્ચ કરાયું
યુવા શક્તિના માધ્યમથી ‘વિકસિત આણંદ’ તરફ ડગ માંડતું જિલ્લા વહીવટી તંત્ર : ૨૬ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાવા યુવાનો માટે ઓનલાઈન નોંધણીનો પ્રારંભ
આણંદ, રવિવાર: સમાજના ઉત્થાન અને જિલ્લાના સવાંગી વિકાસમાં યુવા શક્તિનું યોગદાન અતિ મહત્વનું રહેલું છે. આ દિશામાં એક સરાહનીય અને અભિનવ પહેલ કરતા આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં આગવી પહેલ રૂપે ‘યુવા સેવા સંકલ્પ સ્વયંસેવક’ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અભિયાન અંતર્ગત યુવાનો સરળતાથી સ્વયંસેવક તરીકે નોંધણી કરાવી શકે તે માટેની વિશેષ ઓનલાઈન રજીસ્ટ્રેશન લિંકનું લોન્ચિંગ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે કરવામાં આવ્યું હતું.
“મારું આણંદ, મારું ગૌરવ – આપણે સાથે, આણંદ માટે” ના ઉદાત્ત મંત્ર સાથે શરૂ થયેલા આ અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોમાં સમાજસેવા, કરુણા અને નાગરિક ફરજની ભાવનાને વધુ સુદ્રઢ કરવાનો છે.
યુવાવસ્થા એ ઉત્સાહ, ઊર્જા અને નવા વિચારોનો સંગમ છે. જ્યારે આ ઊર્જાને સમાજના નિર્માણ તરફ વાળવામાં આવે છે, ત્યારે એક સકારાત્મક પરિવર્તનનો જન્મ થાય છે. આ અભિયાન માત્ર એક સરકારી ઉપક્રમ નથી, પરંતુ જિલ્લાના પ્રત્યેક યુવાનને પોતાના ઘર, ગામ અને સમાજ માટે કંઈક વિશેષ કરી છૂટવાનો એક સ્નેહપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ કાર્યક્રમ થકી યુવાનો પોતાના વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય ફાળવીને સમાજના વંચિતો, વરિષ્ઠ નાગરિકો અને પર્યાવરણની સંભાળ રાખીને એક આદર્શ નાગરિક તરીકેની પોતાની ભૂમિકા ભજવી શકશે.
આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અભિયાન હેઠળ યુવાનો માટે ૨૬ જેટલી વિવિધ સેવા પ્રવૃત્તિઓ નિર્ધારિત કરવામાં આવી છે. જેમાં રક્તદાન શિબિર, અનાથાશ્રમ/વૃદ્ધાશ્રમની મુલાકાત, વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, આરોગ્ય તપાસ, ‘એક ગામ દત્તક લો’ સેવા કાર્ય, મહિલા સ્વાસ્થ્ય, વંચિત બાળકો માટે શિક્ષણ સહાય, કેરિયર કાઉન્સેલિંગ, વરિષ્ઠ નાગરિકો માટે ડિજિટલ સાક્ષરતા, અંગદાન સંકલ્પ, નશામુક્તિ અને માર્ગ સલામતી જાગૃતિ, જળ સંરક્ષણ, સાઈબર સુરક્ષા તથા ‘વોકલ ફોર લોકલ’ જેવા બહુવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
આ અભિયાન યુવાનો માટે માત્ર સમાજસેવાનું જ નહીં, પરંતુ વ્યક્તિગત વિકાસનું પણ ઉત્તમ માધ્યમ બનશે. સ્વયંસેવક તરીકે જોડાવાથી યુવાનોમાં નેતૃત્વના ગુણો (Leadership), સંચાર કૌશલ્ય (Communication Skills), નવા અનુભવો અને ટીમવર્કના કૌશલ્યનો વિકાસ થશે. સમાજના છેવાડાના માનવીની ચિંતા કરીને તેના મુખ પર સ્મિત લાવવાની આ તક યુવાનોના જીવનમાં એક નવો દ્રષ્ટિકોણ અને આત્મસંતોષ ઉમેરશે.
આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા જિલ્લાના તમામ ઉત્સાહી, સંવેદનશીલ અને સેવાભાવી યુવાનોને આ ‘વિકાસ યાત્રા’ અને ‘સેવા યજ્ઞ’માં વધુમાં વધુ સંખ્યામાં જોડાવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જે યુવાનો આણંદના વિકાસમાં પોતાનું યોગદાન આપવા ઈચ્છતા હોય તેઓ વહીવટી તંત્રની અધિકૃત લિંક ananddistrict.keryar.com પર જઈને સરળતાથી પોતાની નોંધણી કરાવી શકે છે.