આંગણ મિલન સેવા કાર્યક્રમ-૨૦૨૬
Publish Date : 28/09/2026
મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં બોરસદ ઘટક-૧ ના બહુચરમાતા આંગણવાડી કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો
આણંદ, શુક્રવાર ,‘આંગણ મિલન સેવા કાર્યક્રમ-૨૦૨૬’ અંતર્ગત ભાદરણ સેજા હેઠળના બોરસદ ઘટક-૧ સ્થિત આંગણવાડી કેન્દ્ર ‘બહુચરમાતા’ ખાતે કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રી રમણભાઈ સોલંકી તથા ઉપસ્થિત પદાધિકારીઓએ આંગણવાડીના ભૂલકાંઓને નિયત મેનુ મુજબનો પૌષ્ટિક નાસ્તો, લાડવા તથા તાજા ફળોનું વિતરણ કર્યું હતું અને બાળકો સાથે બેસીને પ્રેમપૂર્વક પૂરક પોષણ આરોગ્યું હતું.
આ તકે આંગણવાડી કેન્દ્ર ખાતે ઉત્કૃષ્ટ સેવાઓ આપવા બદલ આંગણવાડી કાર્યકર, હેલ્પર અને આશા કાર્યકર બહેનોને મંત્રીશ્રીના હસ્તે પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કિશોરીઓને THRના મહત્વ, પોષણમૂલ્ય અને તેના યોગ્ય ઉપયોગ અંગે વિસ્તારપૂર્વક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મંત્રીશ્રીના હસ્તે આંગણવાડીના લાભાર્થીઓને પોષણ THR (ટેક હોમ રાશન) કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, તંદુરસ્ત કિશોરીઓ અને તંદુરસ્ત બાળકોને પ્રોત્સાહક ઇનામો તેમજ THR કીટ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં અગ્રણી સર્વ શ્રી શિલ્પાબેન, શ્રી મમતાબેન પટેલ, શ્રી જયશ્રીબેન, તાલુકા પંચાયત સભ્યશ્રી મધુબેન ઠાકોર અને સરપંચશ્રી પરંજભાઈ પટેલ તેમજ આઈસીડીએસના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.