Close

આણંદ તાલુકાના સામરખા, ચિખોદરા અને બોરીઆવીમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો

Publish Date : 25/09/2026

કુલ ૪,૦૨૨ જેટલા લાભાર્થીઓને સ્થળ પર જ અનેકવિધ સેવાઓ અને યોજનાકીય લાભો અપાયા

આણંદ, ગુરૂવાર , રાજ્ય સરકારના પ્રજાભિમુખ અભિગમને સાકાર કરવાના ભાગરૂપે આણંદ તાલુકાના બોરીયાવી નગરપાલિકા વિસ્તાર તેમજ ચિખોદરા અને સામરખામાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયા હતા. નાગરિકોને સરકારી યોજનાઓના લાભો અને વિવિધ પ્રમાણપત્રો ઘરઆંગણે જ તથા એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમોમાં નાગરીકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ દરમિયાન બોરીયાવી નગરપાલિકા વિસ્તારમાં સેવાસેતુના કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી હર્ષદભાઈ પરમારના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોનુ વિતરણ કરવામાં આવ્યુ હતું.

આણંદ મામલતદારશ્રી (ગ્રામ્ય)ના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમોમાં બોરીયાવી નગરપાલિકા ખાતે ૧,૨૩૬, સામરખા ગામ ખાતે ૧,૦૧૪ અને ચીખોદરા ખાતે ૧,૭૭૨ મળીને કુલ ૪,૦૨૨ જેટલી અરજીઓ મેળવવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા તમામ ૪,૦૨૨ અરજીઓનો સ્થળ પર જ ૧૦૦% હકારાત્મક નિકાલ કરીને નાગરિકોને ત્વરિત સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન મહેસૂલી સેવાઓ અંતર્ગત જમીનને લગતા સાત-બાર અને આઠ-અના ૧,૬૭૦ પ્રમાણપત્રો તેમજ ૧૩૩ આવકના દાખલા સ્થળ પર જ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા ૯૫૮થી વધુ લોકોના હેલ્થ વેલનેસ કાર્ડ (બી.પી. અને ડાયાબિટીસ ચકાસણી) બનાવવામાં આવ્યા હતા અને ૧૭૩ જેટલી અરજીઓ પીએમવાય (PMJAY) કાર્ડ માટે સ્વીકારીને મંજૂર કરવામાં આવી હતી.

પશુપાલન અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ ચીખોદરા અને સામરખા ખાતે પશુઓ માટે ૩૧૩ ગાયનેકોલોજીકલ સારવાર, ૩૫૧ ડીવર્મીંગ અને ૧૫૦ રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત આધાર કાર્ડ અપડેશન, રેશનકાર્ડ સુધારા, વિધવા સહાય/ગંગાસ્વરૂપા આર્થિક સહાય, બસ કન્સેશન પાસ તથા બેંક ખાતા સાથે મોબાઇલ અને આધાર નંબર જોડવા જેવી અનેકવિધ સેવાઓનો લાભ સ્થાનિકોએ એક જ સ્થળે મેળવ્યો હતો.

આણંદ તાલુકાના આ સેવા સેતુ કાર્યક્રમો દરમિયાન ઉક્ત યોજનાઓ ઉપરાંત નાગરિક સુરક્ષા અને આર્થિક સ્વાવલંબન માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, વિધવા/ગંગાસ્વરૂપા આર્થિક સહાય, એસ.ટી. બસ કન્સેશન પાસ, તેમજ રેશનકાર્ડમાં નામ ઉમેરવું, e-KYC કરાવવું અને બેંક ખાતા સાથે આધાર તથા મોબાઇલ નંબરનું જોડાણ કરવા જેવી સેવાઓ અપાઈ હતી.