આણંદ ખાતે “સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ” માં “સેવા મેરા યોગદાન” કાર્યક્રમ યોજાયો
Publish Date : 24/09/2026
ધારાસભ્ય શ્રી અને કલેક્ટરશ્રી ની ઉપસ્થિતિમાં બાળકોને શૈક્ષણિક કિટ્સ, કપડાં અને રમતગમતના સાધનોનું કરાયું વિતરણ
વિકસિત ભારત ૨૦૪૭ ના સંકલ્પ સાથે આણંદના ચિલ્ડ્રન હોમમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરાઈ
આણંદ, બુધવાર, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયામક, સમાજ સુરક્ષા પ્રભાગ ગાંધીનગર સંચાલિત આણંદ સ્થિત સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે ભારત સરકાર અને માય ભારત પોર્ટલ દ્વારા શરૂ કરવામાં આવેલ “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત “સેવા મેરા યોગદાન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સહિતના મહાનુભાવોએ ખાસ ઉપસ્થિત રહી સંસ્થાના બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. મહાનુભાવોના હસ્તે બાળકોના સર્વાંગી વિકાસ માટે દૈનિક ઉપયોગની સામગ્રી અને શૈક્ષણિક કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે “વિકસિત ભારત ૨૦૪૭” ના સ્વપ્નને સાકાર કરવા તેમણે બાળકોને ઉચ્ચ અભ્યાસ અને નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના દરેક બાળકને એક જોડી કપડાંની કિટ, સ્કૂલ બેગ સહિતની શૈક્ષણિક કિટ અને રમતગમતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ બાળકોને રમત-ગમત ક્ષેત્રે પણ કુશળતા મેળવવા પ્રેરણા આપી હતી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે કૌશલ્ય વિકાસ પર ભાર મૂક્યો હતો.
જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ પર્યાવરણના જતન, વ્યસનમુક્તિ અને સ્વચ્છ ભારત અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમની સ્મૃતિ રૂપે મહાનુભાવોએ સંસ્થાના પરિસરમાં બાળકો સાથે મળીને વૃક્ષારોપણની પ્રવૃત્તિ હાથ ધરી હતી.
ત્યારબાદ મહાનુભાવોએ ચિલ્ડ્રન હોમની મુલાકાત લઈ બાળકોના રહેઠાણ, ભોજનની વ્યવસ્થા, આરોગ્ય અને શિક્ષણ સંબંધી સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. સંસ્થાની કામગીરી અને સુવિધાઓ પ્રત્યે મહાનુભાવોએ સંતોષ વ્યક્ત કર્યો હતો અને તમામ બાળકો સાથે સુરુચિપૂર્ણ ભોજન લીધું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જીલુભા સિંધા, ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના અધ્યક્ષ પરેશભાઈ પનારા, અગ્રણી શ્રી જગતભાઈ પટેલ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી માધવી ત્રિવેદી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પાર્થ ઠાકર, જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્યો, જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી-કર્મચારીઓ હાજર રહ્યા હતા.

આણંદ ખાતે “સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ” માં “સેવા મેરા યોગદાન” કાર્યક્રમ યોજાયો

આણંદ ખાતે “સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ” માં “સેવા મેરા યોગદાન” કાર્યક્રમ યોજાયો

આણંદ ખાતે “સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ” માં “સેવા મેરા યોગદાન” કાર્યક્રમ યોજાયો