Close

આણંદમાં ગણેશ વિસર્જન નિમિત્તે ટ્રાફિક જાહેરનામું પ્રસિદ્ધ: ૨૫ સપ્ટેમ્બરે શહેરના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહારમાં ફેરફાર

Publish Date : 22/09/2026

ગણેશ વિસર્જન શોભાયાત્રા દરમિયાન ટ્રાફિક નિયમન જાળવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ અને વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરાઈ

તમામ ખાનગી વાહનો માટે નિર્ધારિત સમય મર્યાદામાં પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ રહેશે

આણંદ, સોમવાર,  આણંદ શહેરમાં આગામી તારીખ ૨૫ સપ્ટેમ્બર, શુક્રવારના રોજ ગણેશ વિસર્જનની શોભાયાત્રા અને ઉત્સવની ઉજવણી થનાર છે. આ પ્રસંગે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા ટ્રાફિકનું સુચારૂ સંચાલન થાય તે હેતુથી આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાહુલ ગમારા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩(૧) (બી) હેઠળ એક વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ ૨૫ સપ્ટેમ્બરના રોજ સવારના ૦૭:૦૦ કલાકથી રાત્રિના ૨૨:૦૦ કલાક સુધી શહેરના નિશ્ચિત માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને વાહન ચાલકો માટે વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગણેશ વિસર્જનની શોભાયાત્રા આણંદના આઝાદ મેદાનથી નીકળીને અંબાજી મંદિર, માનીયાની ખાંડ, ગોપી સિનેમા, લોટીયા ભાગોળ ત્રણ રસ્તા, કપાસિયા બજાર, ટાવર બજાર, ગામડી વડ,  કરમસદ આણંદ મહાનગરપાલિકા કચેરી સામે થઈ ગોપાલ ચાર રસ્તા, મહાનગરપાલિકા દવાખાના, જુના એસટી સ્ટેન્ડ ચાર રસ્તા, કવિતા શોપિંગ સેન્ટર લક્ષ્મી ચાર રસ્તા જુના રસ્તા, ભાથીજી મંદિર, ગામડીવડ બેઠક મંદિર વેરાઈ માતા મંદિર થઈ આઝાદ મેદાન થઈ કસબા અંબાજી મંદિર કન્યાશાળા થઈ ઠક્કરવાડી ચાર રસ્તા ગોપી સિનેમા લોટીયા ભાગોળ ત્રણ રસ્તા થઈ મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ પાસે થઈને પસાર થવાની હોવાથી આ રૂટ પર ટ્રાફિક ડાયવર્ઝન અમલી રહેશે.

જાહેરનામા અનુસાર ટાઉન હોલ ત્રણ રસ્તાથી ગોપી સિનેમા રોડ મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ સુધી, બેઠક મંદિરથી ગામડી વડ, સ્ટેશન રોડ અને મ્યુનિસિપલ દવાખાના, જુના એસટી ચાર રસ્તા, મિનરવા, લક્ષ્મી ટોકીઝથી વેનડોર ચાર રસ્તા સુધી, ગામડી વળતી કપાસીયા બજાર ટાવર બજાર ગામડી ગોપાલ ટોકીઝ થી પપ્પુ હોસ્પિટલ ચાર રસ્તા સુધી લક્ષ્મી ટોકીઝથી મિનરવા એસટી ચાર રસ્તા મ્યુનિસિપલ દવાખાનાથી સ્ટેશન રોડ ગામડીવડ વેરાઈ માતા બેઠ મંદિર સુધી ડાઈવરજન અમૂલ ડેરીથી મહારાણા પ્રતાપ સર્કલ જતા વાહનો ડાયવર્ઝન ઉમાભવન તરફથી પુલ ઉપરથી મહારાણા પ્રતાપ સર્કલથી ગંજ બજાર તરફ જતા વાહનો માટે વાહન વ્યવહાર માટે બંધ રહેશે.

આ જાહેરનામા દ્વારા વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ સામરખા ચોકડીથી આવતા વાહનો હવે મહેન્દ્ર શાહ હોસ્પિટલ અને ગુજરાતી ચોક થઈને જૂના દાદર તેમજ અમુલ ડેરી રોડ થઈ ગણેશ ચોકડી તરફ જઈ શકશે. તેવી જ રીતે લાંભવેલ રોડ અને વિદ્યાનગર રોડ તરફથી આવતા વાહનો ગ્રીડ ચોકડી, સરદાર બાગ પોલીસ ચોકી અને ભાલેજ ઓવરબ્રિજ થઈને સામરખા ચોકડી તરફ જઈ શકશે. વિદ્યાનગર રોડ તરફથી આવતા વાહનો જીઈબી ગ્રીડ ચોકડી થઈ સરદારબાગ પોલીસ ચોકી ભાલેજ ઓવરબ્રિજ થઈ સામરખા ચોકડી તરફ જઈ શકશે. બોરસદ ચોકડીથી આવતા વાહન ચાલકો માટે ગણેશ ચોકડી અને અમુલ ડેરી થઈ જુના દાદર ગુજરાતી ચોક થઈ મહેન્દ્ર શાહ હોસ્પિટલ જઈ શકાશે. નવા બસ સ્ટેશન તરફથી આવતા વાહનો પાયોનિયર હાઇસ્કૂલ ચોકડી થઈને મહેન્દ્ર શાહ હોસ્પિટલ રોડનો ઉપયોગ કરી શકશે.

આ જાહેરનામામાં સરકારી વાહનો, એમ્બ્યુલન્સ વાન તથા ફાયરબ્રિગેડના વાહનોને પ્રતિબંધ લાગુ પડશે નહીં.

આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.