તા.૨૨ સપ્ટેમ્બરે આણંદ જિલ્લામાં ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાશે
Publish Date : 22/09/2026
પેટલાદ તાલુકામાં સુંદરણા, તારાપુર તાલુકામાં ખાખસર, આંકલાવ તાલુકામાં મુજકુવા અને બોરિયાવી નગરપાલિકા ખાતે ગ્રામજનો અને શહેરીજનોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરાશે
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોક પ્રશ્નોના ઉકેલ માટે સેવા સેતુ ૨.૧ અને શહેરી સેવા સેતુના ૧૨માં તબક્કાનું આયોજન
આણંદ, સોમવાર, આણંદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આગામી ૨૨ સપ્ટેમ્બરના રોજ ‘સેવા સેતુ ૨.૧’ (ગ્રામ્ય) અને શહેરી સેવા સેતુના ૧૨મા તબક્કા અંતર્ગત વિવિધ સ્થળોએ સેવાથી તું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રજાના પાયાના પ્રશ્નો અને સરકારી યોજનાઓના લાભો નાગરિકોને ઘરઆંગણે જ અને એક જ સ્થળે મળી રહે તેવા ઉમદા હેતુ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પેટલાદ, તારાપુર, આંકલાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત બોરિયાવી નગરપાલિકા વિસ્તારમાં આ કેમ્પ યોજવાનું સુનિશ્ચિત કરાયું છે. આ કાર્યક્રમ દ્વારા છેવાડાના માનવી સુધી વહીવટી તંત્ર પહોંચશે અને લોકોની રજૂઆતો તથા યોજનાકીય લાભનો હકારાત્મક ઉકેલ લાવવામાં આવશે.
તા.૨૨ સપ્ટેમ્બરના રોજ યોજાનારા આ કાર્યક્રમમાં પેટલાદ તાલુકાના સુંદરણા ખાતેની પ્રાથમિક શાળામાં ધર્મજ, ભારેલ, સુંદરણા, જોગણ, શાહપુર, શેખડી, રૂપિયાપુરા, દાવલપુરા, વિશ્રામપુરા, લક્કડપુરા, સીમરડા, વિરોલ (શી) અને દંતાલી સહિત કુલ ૧૩ ગામોના નાગરિકોની અરજીઓનો નિકાલ કરવામાં આવશે.
આ જ દિવસે તારાપુર તાલુકાના ખાખસર ગામે આવેલી પ્રાથમિક શાળામાં પણ સેવા સેતુ કેમ્પનું આયોજન કરાયું છે, જેનો લાભ ખાખસર, રેલ, પાદરા, જાફરાબાદ, ખાનપુર, મહિયારી, ચીખલિયા, જીચકા, ગોરાડ અને આમલીયારા સહિતના ૧૦ ગામોના રહીશો લઈ શકશે.
આ ઉપરાંત આંકલાવ તાલુકાના મુજકુવા પ્રાથમિક શાળા ખાતે અંબાવ, આસોદર, ખડોલ (હ), મુજકુવા, કોસિન્દ્રા, હાડદરી, રણછોડપુરા અને જોષીકુવા સહિતના ૮ ગામોના ગ્રામજનોના પ્રશ્નો સાંભળી સ્થળ ઉપર જ નિરાકરણ કરવામાં આવશે.
ગ્રામ્ય વિસ્તારોની સાથોસાથ શહેરી વિસ્તારના નાગરિકોની સુવિધા માટે પણ વહીવટી તંત્ર દ્વારા સમાંતર આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૨ સપ્ટેમ્બરના રોજ બોરિયાવી નગરપાલિકા વિસ્તારમાં ‘શહેરી સેવા સેતુ’ના ૧૨મા તબક્કા હેઠળ નંદનવનચરો પ્રાથમિક શાળા ખાતે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં બોરિયાવી નગરપાલિકાના વોર્ડ નંબર ૧, ૨, ૩, ૪, ૫ અને ૬ ના તમામ રહિશો પોતાના પડતર પ્રશ્નો તેમજ સરકારી યોજનાઓને લગતી રજૂઆતો કરી શકશે. આ શિબિરોમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ રૂબરૂ ઉપસ્થિત રહીને લોકોના આવકના દાખલા, રેશનકાર્ડને લગતી કામગીરી, આધાર કાર્ડ સુધારણા તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓના ફોર્મ્સ સ્વીકારીને તેનો સ્થળ પર જ નિકાલ કરવાની કામગીરી હાથ ધરશે.
આ સેવા સેતુ કાર્યક્રમનો ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનોએ અને શહેરી વિસ્તારના નગરજનોએ લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.