તારીખ 23 સપ્ટેમ્બરે બોરસદ તાલુકાના ઝારોલા ગામે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાશે: સાત ગામોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ આવશે
Publish Date : 22/09/2026
પ્રજાકીય કામો માટે વહીવટીતંત્ર આંગણે: ઝારોલા પ્રાથમિક શાળામાં સેવા સેતુના માધ્યમથી વિવિધ સેવાઓનો લાભ અપાશે
બોરસદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુ ૨.૧ અંતર્ગત વિશેષ આયોજન
સવારના ૦૯:૦૦ કલાકથી ગ્રામજનો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભો એક જ સ્થળે ઉપલબ્ધ બનશે
આણંદ, સોમવાર, બોરસદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારના અભિગમ મુજબ નાગરિકોના વ્યક્તિગત પ્રશ્નો અને વિવિધ સરકારી યોજનાઓના લાભો ઘરઆંગણે મળી રહે ઉપરાંત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય માણસના સરકારી કચેરી ખાતેના કામો, યોજનાકિય લાભો, પારદર્શક રીતે અને ઝડપથી સરકારી સેવાઓ પૂરી પાડવાના હેતુથી ‘સેવા સેતુ ૨.૧ (ગ્રામ્ય)’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આગામી તારીખ ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૪, સોમવારના રોજ સવારના ૦૯:૦૦ કલાકથી ઝારોલા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ ઝારોલાની પ્રાથમિક શાળા ખાતે આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં ભાદરણ જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતા વિવિધ ગામોના ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર જ વહીવટી તંત્ર દ્વારા નિરાકરણ લાવવામાં આવશે.
આ સેવા સેતુ કાર્યક્રમમાં કુલ સાત ગામોના નાગરિકો પોતાની અરજીઓ અને યોજનાકીય લાભો માટે ઉપસ્થિત રહી શકશે. જેમાં ભાદરણ, ભાદરણીયા, વાંછીએલ, સિસવા, વડેલી, ઝારોલા અને કસારી ગામના ગ્રામજનોનો સમાવેશ થાય છે. આ સાત ગામોના નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, પ્રમાણપત્રો અને અન્ય વહીવટી સેવાઓ માટે તાલુકા મથકે જવાની જરૂર રહેશે નહીં અને તેઓ ભાદરણ પ્રાથમિક શાળા ખાતે આયોજિત આ સેવા સેતુમાં જ તમામ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.
જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બોરસદના પ્રાંત અધિકારીશ્રી, મામલતદાર શ્રી અને તાલુકા વિકાસ અધિકારી શ્રીની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. બોરસદ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ક્લસ્ટરમાં સમાવિષ્ટ તમામ સાત ગામોના ગ્રામજનોએ ઉપસ્થિત રહીને સરકારની આ લોકાભિમુખ સેવાનો લાભ લેવા આહવાન કરવામાં આવ્યું છે.