Close

આણંદ જિલ્લાના ૧૫૧૫ પ્રાથમિક શિક્ષકો માટે દિવાળી જેવો માહોલ: ૧૮૫ કરોડ રૂપિયા NPSમાંથી OPS હેઠળ GPFમાં જમા થયા

Publish Date : 22/09/2026

નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના સક્રિય પ્રયાસોથી આણંદ જિલ્લાના 1515 શિક્ષકોનો જૂની પેન્શન યોજનામાં કરાયો સમાવેશ

જૂની પેન્શન યોજના અંતર્ગત બચત ફાળાની રકમ વ્યાજ સહિત પરત મળી

શિક્ષકોના ખાતામાં રકમ તબદીલ કરવાની પ્રક્રિયા પૂર્ણ, શિક્ષકો આજથી જ SAS પોર્ટલ પર પોતાની જમા થયેલી રકમની વિગતો ઓનલાઇન જોઈ શકશે

આણંદ, સોમવાર, આણંદ જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો માટે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારની NPS to OPS (જૂની પેન્શન યોજના) અંતર્ગત સમાવવામાં આવેલા આણંદ જિલ્લાના ૧૫૧૫ જેટલા પ્રાથમિક શિક્ષકોના NPS બચતના નાણાં હવે સત્તાવાર રીતે જીપીએફ (GPF) ખાતામાં તબદીલ કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયા અંતર્ગત આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરી, ગાંધીનગરને મોકલવામાં આવેલી દરખાસ્તને નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના સક્રિય પ્રયાસોને કારણે મંજૂરી મળતા કુલ ૧૮૫ કરોડ જેટલી માતબર રકમ શિક્ષકોના ખાતામાં તબદિલ કરવામાં આવી છે.

આ મહત્વપૂર્ણ વહીવટી પ્રક્રિયાને નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલના પ્રયત્નો અને તેમના સીધા માર્ગદર્શન હેઠળ આ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આણંદ જિલ્લાના ૧૫૧૫ શિક્ષકોના NPS ફાળાની મૂળ રકમ અને તેના પરના વ્યાજ સહિતની કુલ ૧૮૫ કરોડની રકમને મંજૂરી મળતા જિલ્લાના શૈક્ષણિક આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નાણા રાજ્યમંત્રીશ્રીની અંગત રુચિ અને ત્વરિત કાર્યવાહીના કારણે શિક્ષકોનો જૂની પેન્શન યોજનામાં સમાવેશ થતા શિક્ષકોમાં આનંદ વ્યાપી ગયો છે.

આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અર્ચનાબેન પ્રજાપતિએ આણંદ જિલ્લાના 1515 શિક્ષકો વતી રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને ગાંધીનગર સ્થિત DPPF કચેરીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એ વધુમાં જણાવ્યું કે આ નાણાકીય ફેરફારથી શિક્ષકોનું ભવિષ્ય વધુ સુરક્ષિત બન્યું છે. વધુમાં, વહીવટી પારદર્શિતાના ભાગરૂપે તમામ શિક્ષકો પોતાની જમા થયેલી રકમની વિગતો આજરોજથી જ SAS (School Administration System) પોર્ટલ પર લોગઈન કરીને જોઈ શકશે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.