આણંદ જિલ્લાના બાગાયતી ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર નવીન સહાય યોજનાઓનો પ્રારંભ
Publish Date : 19/09/2026
બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ સહાય મેળવવા ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે
આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લામાં બાગાયતી પાકોની ખેતી કરતા અને નવીન ખેતી કરવા ઈચ્છતા ખેડૂતો માટે રાજ્ય સરકારના બાગાયત ખાતા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેના પર જિલ્લાના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતો આગામી તા. ૩૦/૦૯/૨૦૨૬ સુધી ઓનલાઇન અરજી કરી શકશે.
આ વર્ષે બાગાયત ખાતા દ્વારા ખાસ કરીને આધુનિક ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે નવીનતમ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે બે મહત્વપૂર્ણ કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ યોજના બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ છે, જ્યારે બીજી યોજનામાં ફળ પાકોમાં ફિલ્ડ કવર ટેકનોલોજીના ઉપયોગ થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે સહાય આપવામાં આવશે. આણંદ જિલ્લાના ખેડૂતો આ બંને યોજનાઓ માટે નિર્ધારિત સમયમર્યાદામાં આઈ-ખેડૂત પોર્ટલની સત્તાવાર વેબસાઇટ (https://ikhedut.gujarat.gov.in/site/krishivibhag) પર જઈને પોતાની અરજી સબમિટ કરી શકશે.
આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર અરજી કરતા પહેલા ખેડૂતોએ પોર્ટલ પર પોતાની નોંધણી કરાવવી ફરજિયાત છે. નવા નોંધણી થનાર ખેડૂતોએ પોતે જ પોતાનું આધાર ઓથેન્ટિકેશન પૂર્ણ કરવાનું રહેશે, ત્યારબાદ જ તેઓ ઓનલાઈન અરજી કરવા માટે પાત્ર બનશે. અરજી કરતી વખતે માંગવામાં આવેલા તમામ જરૂરી દસ્તાવેજો અને કાગળો પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. અરજી સફળતાપૂર્વક કન્ફર્મ થયા બાદ ખેડૂતોએ તેની પ્રિન્ટ મેળવીને પોતાની પાસે સાચવી રાખવાની રહેશે.
યોજના હેઠળની મંજૂરી મળ્યા બાદ, ખેડૂતોએ જ્યારે કલેઇમ સબમિટ કરવાનો હોય ત્યારે અરજીની નકલ પર સહી કરી તમામ જરૂરી સાધનિક કાગળો સાથે ફરીથી અપલોડ કરવાની રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, તમામ દસ્તાવેજોની ફાઈલ રૂબરૂમાં અથવા ટપાલ દ્વારા ‘નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૪૨૭-૪૨૯, ચોથો માળ, જિલ્લા સેવા સદન, આણંદ’ ખાતે જમા કરાવવાની રહેશે.
આણંદ જિલ્લાના નાયબ બાગાયત નિયામક દ્વારા જિલ્લાના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લે તે માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. આ યોજનાઓ ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અપનાવવા અને બાગાયતી પાકોના ઉત્પાદનમાં ગુણવત્તા લાવવા માટે આર્થિક પીઠબળ પૂરું પાડશે. ખેડૂતોએ નિયત સમયમર્યાદા એટલે કે ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ પહેલા પોતાની અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી લેવા જણાવાયું છે.