આણંદ જિલ્લાના ઝારોલા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ કરાવતા મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમન વાજા
Publish Date : 18/09/2026
ઝારોલા ખાતે નવનિર્માણ પામનારું છાત્રાલય ગ્રામીણ વિસ્તારની દીકરીઓના ઉચ્ચ શિક્ષણ અને સર્વાંગી ઉત્કર્ષ માટે માઇલસ્ટોન સાબિત થશે : મંત્રી શ્રી રમણભાઈ સોલંકી
આણંદ, ગુરૂવાર , ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ તેમના આણંદ જિલ્લાના પ્રવાસ દરમિયાન બોરસદ તાલુકાના ઝારોલા ખાતે સેવા સંકલ્પ અભિયાન હેઠળ યોજાયેલી ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનો ઉત્સાહભેર પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા અને વક્તૃત્વ ક્ષમતાને બિરદાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા અને સુશાસનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલું ‘સેવા સંકલ્પ અભિયાન’ રાષ્ટ્ર નિર્માણની દિશામાં એક અગત્યનું પગલું છે. ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા જેવા આયોજનો દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને વિચારોની અભિવ્યક્તિને નવું મંચ મળે છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦નો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું કે, ગોખણપટ્ટી આધારિત જ્ઞાનમાંથી મુક્ત થઈને બાળકની કૌશલ્ય, સંશોધનવૃત્તિ અને આત્મવિશ્વાસનો વિકાસ થાય તેવા રસપ્રદ શૈક્ષણિક પ્રયોગો આપણી પ્રાથમિક જરૂરિયાત છે.
આ તકે મંત્રીશ્રીએ ચિત્ર અને વક્તૃત્વ જેવી સ્પર્ધાઓ બાળકના સર્વાંગી વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે તેમ જણાવ્યુ હતુ. તેમણે વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે કહ્યું કે જીવનમાં સફળતા મેળવવા માટે લક્ષ્ય હંમેશા મોટું રાખવું જોઈએ, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને નિષ્ફળતાથી ક્યારેય ડરવું જોઈએ નહીં.
વધુમાં તેમણે આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને શિક્ષણ મેળવી રાષ્ટ્રસેવા કરવાનો, પર્યાવરણનું રક્ષણ કરવાનો, સ્વચ્છ ભારત અભિયાનમાં યોગદાન આપવાનો તેમજ ‘વિકસિત ભારત @૨૦૪૭’ના સ્વપ્નને સાકાર કરવા માટે સંકલ્પબદ્ધ થવા પ્રેરણાદાયી આહ્વાન કર્યું હતું.
આ તકે પ્રાસંગિક ઉદબોધન કરતાં મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પ્રસંગે ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનો પ્રારંભ બોરસદ તાલુકાના ઝારોલા ગામથી થઈ રહ્યો છે તે સમગ્ર આણંદ જિલ્લા માટે ગૌરવની બાબત છે. શિક્ષણ મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમન વાજાની કાર્યશૈલી અને વિઝનની સરાહના કરતાં તેમણે જણાવ્યું હતું કે, મંત્રીશ્રી અત્યંત ચીવટપૂર્વક શિક્ષણ વિભાગનું નેતૃત્વ કરી રહ્યા છે અને ‘વિકસિત ભારત @૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવા વિદ્યાર્થીઓને સશક્ત બનાવી રહ્યા છે.
મંત્રીશ્રી સોલંકીએ જણાવ્યું હતું કે, ઝારોલા શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર ગામ રહ્યું છે ત્યારે ઝારોલા ખાતે નવનિર્માણ પામનારું છાત્રાલય આસપાસના ગ્રામીણ વિસ્તારની દીકરીઓના ઉચ્ચ શિક્ષણ અને સર્વાંગી ઉત્કર્ષ માટે માઇલસ્ટોન સાબિત થશે.
ઝારોલા ખાતે ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાના પ્રારંભ બાદ મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ ઝારોલા સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) ખાતે પહોંચીને નિર્માણાધીન ભવનની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે બાંધકામની પ્રગતિની વિગતવાર માહિતી મેળવીને કામગીરીની ગુણવત્તા અને સમયમર્યાદા અંગે જરૂરી સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ સ્થળ પર ઉપસ્થિત સંબંધિત ઈજનેરો અને અધિકારીઓને ભવન નિર્માણનું કાર્ય પૂર્ણ ગુણવત્તા સાથે અને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચનાઓ આપી હતી.
આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક પદાધિકારીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આણંદ જિલ્લાના ઝારોલા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ કરાવતા મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમન વાજા

આણંદ જિલ્લાના ઝારોલા ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ કરાવતા મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમન વાજા