Close

‘સેવા સંકલ્પ અભિયાન’ – આણંદ જિલ્લો

Publish Date : 18/09/2026

મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાની વિશેષ ઉપસ્થિતિમાં બોરસદ ખાતે ભૂમિહીન લાભાર્થીઓને આવાસ મંજૂરી પત્રો તથા સહાયનું વિતરણ કરાયું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરકાર છેવાડાના વંચિત માનવીના સન્માનપૂર્ણ જીવન માટે કટિબદ્ધ : મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજા

ભાદરણ ખાતે કુલ ૯૬ ભૂમિહીન લાભાર્થી પરિવારોને આવાસ સહાય પૈકી પ્રથમ હપ્તા તરીકે રૂ. ૩૦,૦૦૦ લેખે કુલ રૂ. ૨૮.૮૦ લાખની રકમ DBT માધ્યમથી ચૂકવાઈ

આણંદ, ગુરૂવાર , ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ના અધ્યક્ષસ્થાને અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકી વિશેષ ઉપસ્થિતિમાં બોરસદ તાલુકાના ભાદરણ સ્થિત જવાહર નવોદય વિદ્યાલય ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજિત નમો નગર આવાસ મંજૂરી અને સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

ગ્રામ પંચાયત, જિલ્લા વહીવટી તંત્ર આણંદ અને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના વિકસતી જાતિ કલ્યાણ પ્રભાગ દ્વારા સંયુક્ત રીતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજિત ‘નમો નગર આવાસ મંજૂરી અને સહાય વિતરણ’ ના આ કાર્યક્રમમાં ગામના વિચરતી-વિમુક્ત જાતિના ૬૧, આર્થિક રીતે નબળા વર્ગના ૧૫ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ૨૦ મળીને કુલ ૯૬ ભૂમિહીન લાભાર્થી પરિવારોને પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રૂ. ૧,૭૦,૦૦૦ ની કુલ આવાસ સહાય પૈકી પ્રથમ હપ્તા તરીકે રૂ. ૩૦,૦૦૦ લેખે કુલ રૂ. ૨૮.૮૦ લાખની રકમ સીધી DBT ના માધ્યમથી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી.

આ તકે મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે ભાદરણના ભૂમિહીન, વિચરતી-વિમુક્ત જાતિઓ તથા પછાત વર્ગના પરિવારોને પોતાના ‘ઘરનું ઘર’ મેળવવાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે, જે આજના દિવસને ઐતિહાસિક બનાવે છે. અગાઉ આ વિભાગ માત્ર ‘કલ્યાણ વિભાગ’ તરીકે ઓળખાતો, જેનાથી સમાજના ગરીબ વર્ગ પર આપણને કોઈ ઉપકાર કરતા હોય તેવી લાગણી થતી હતી. પરંતુ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયી અને ત્યારબાદ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે આ વિભાગને ‘સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ’ નામ આપ્યું. આ કોઈ ભીખ કે સહાય નથી, પણ ભારતીય બંધારણના શિલ્પી ડૉ.બી.આર.આંબેડકરે જોયેલા સમાનતા અને ન્યાયના સ્વપ્નને સાકાર કરીને છેવાડાના નાગરિકને તેનો બંધારણીય હક અને આત્મસન્માન આપવાનો નમ્ર પ્રયાસ છે.

મંત્રીશ્રીએ વિભાગની કલ્યાણકારી યોજનાઓનો ચિતાર આપતા ઉમેર્યું હતું કે, “મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સવેદનશીલ નેતૃત્વમાં ગુજરાત સરકાર એ સુનિશ્ચિત કરી રહી છે કે નાણાના અભાવે કોઈ પણ તેજસ્વી વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે. આ માટે અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ-મેટ્રિક ફ્રી-કાર્ડ યોજનાની આવક મર્યાદા રૂ. ૨.૫ લાખથી વધારીને રૂ. ૬ લાખ કરવામાં આવી છે. સાથોસાથ, ગરીબ પરિવારના સંતાનો વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જઈ શકે તે માટે માત્ર ૪% ના રાહત દરે રૂ. ૧૫ લાખ સુધીની વિદેશ અભ્યાસ લોન અને કમર્શિયલ પાઇલટ બનવાની તાલીમ માટે રૂ. ૨૫ લાખ સુધીની ધિરાણ સહાય પૂરી પાડવામાં આવે છે, જેથી ગરીબી ક્યારેય કોઈ યુવાનના સ્વપ્નને ભાંગી ન શકે.

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ‘અંત્યોદય’ના મંત્રને ચરિતાર્થ કરતા આજે ૯૬ લાભાર્થી પરિવારોને રૂ. ૧.૭૦ લાખની આવાસ સહાય અંતર્ગત પ્રથમ હપ્તા તરીકે રૂ. ૨૮.૮૦ લાખ ની રકમ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. છેલ્લા ૧૦ વર્ષમાં સમગ્ર ગુજરાતમાં ૧.૭૨ લાખથી વધુ લાભાર્થીઓને રૂ. ૧,૪૩૮ કરોડથી વધુની આવાસ સહાય આપવામાં આવી છે. પાકું મકાન એ માત્ર ઈંટોની ઈમારત નથી, પરંતુ તે ગરીબ પરિવારને સામાજિક સુરક્ષા, સ્થિરતા અને સન્માનજનક જીવન જીવવાનું બળ પૂરું પાડે છે.

મંત્રીશ્રીએ તા.૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા અને સુશાસનના કાર્યકાળને બિરદાવવા તેમજ વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત અને આત્મનિર્ભર ભારત’ બનાવવાનો સંકલ્પ લેવાની અપીલ કરી હતી. તેમણે દેશના વડાપ્રધાનશ્રી માટે તમામ લાભાર્થીઓએ પોતાના ઘરમાં ‘આશીર્વાદનો દીવો’ પ્રગટાવવો જોઈએ તેમ જણાવી એક તંદુરસ્ત સમાજ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણ માટે તમામ લાભાર્થીઓ પોતાના જીવનમાંથી કુરિવાજો અને વ્યસનો ત્યજીને દેશસેવાના માર્ગે આગળ વધે તે જ આજના દિવસની સાચી ઉજવણી ગણાશે તેમ વધુમા ઉમેર્યુ હતુ.

આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, આજનો પ્રસંગ એ વહીવટી તંત્ર, ગ્રામ પંચાયત અને સામાજિક ન્યાય વિભાગના ત્રિવેણી સંગમથી છેવાડાના માનવીના સ્વપ્નને સાકાર કરતી એક સંવેદનશીલ પહેલ છે. ભાદરણ ગ્રામ પંચાયતે જમીન ફાળવી, જિલ્લા કલેક્ટરશ્રી અને વહીવટી તંત્રએ સરાહનીય સકારાત્મક અભિગમ દાખવ્યો તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ રૂબરૂ બેઠક યોજી માત્ર દસ જ મિનિટમાં ગરીબ પરિવારોને ૧૦૦% આવાસ સહાય મંજૂર કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો. આ ‘નમો નગર’ માત્ર આવાસ પૂરતું સીમિત ન રહેતા, તેમાં ગટર, પીવાના પાણી અને વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓ પણ સજ્જ કરાશે જે સમગ્ર આણંદ જિલ્લા અને રાજ્યની પંચાયતો માટે પ્રેરણારૂપ અને આદર્શ મોડેલ બનશે.

વડાપ્રધાનશ્રીની સંવેદના અને ૨૫ વર્ષના સેવા-સુશાસનની ઉજવણી અંગે વાત કરતા મંત્રીશ્રી રમણભાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, ૨૪ કલાક વીજળી, ૧૦૮ સેવા, આયુષ્માન કાર્ડ કે મફત અનાજ યોજના—આ તમામ કલ્યાણકારી કાર્યો પાછળ વડાપ્રધાનશ્રીની ગરીબો પ્રત્યેની ઊંડી સંવેદના રહેલી છે. તેમના જાહેર જીવનના અવિરત ૨૫ વર્ષના સેવા અને સુશાસનકાળ અંતર્ગત યોજાયેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ના પ્રથમ દિવસે જ ભાદરણના ૧૦૦ થી વધુ પરિવારોને પ્લોટ અને આવાસ સહાયનો લાભ મળ્યો છે તે અત્યંત આનંદની વાત છે. આગામી ૬ મહિનામાં તમામ મકાનોનું નિર્માણ પૂર્ણ કરી લોકાર્પણ કરવાનો અમારો સંકલ્પ છે. તેમણે આ તકે લાભાર્થીઓ પણ વ્યસનમુક્ત બની સ્વચ્છ અને આદર્શ ‘નમો નગર’ના નિર્માણમાં પોતાનું યોગદાન આપે તે જરૂરી છે તેમ વધુમાં જણાવ્યુ હતુ.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી દેવાહુતી, વિકસતી જાતિ કલ્યાણ વિભાગના નિયામકશ્રી વિક્રમસિંહ જાદવ, અગ્રણીશ્રી સંજયભાઈ પટેલ, ભાદરણ સરપંચશ્રી ઉદયભાઈ પટેલ સહિત સ્થાનિક પંચાયત અને વહીવટી તંત્રના અધિકારી-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

'સેવા સંકલ્પ અભિયાન' - આણંદ જિલ્લો

‘સેવા સંકલ્પ અભિયાન’ – આણંદ જિલ્લો

'સેવા સંકલ્પ અભિયાન' - આણંદ જિલ્લો

‘સેવા સંકલ્પ અભિયાન’ – આણંદ જિલ્લો

'સેવા સંકલ્પ અભિયાન' - આણંદ જિલ્લો

‘સેવા સંકલ્પ અભિયાન’ – આણંદ જિલ્લો

'સેવા સંકલ્પ અભિયાન' - આણંદ જિલ્લો

‘સેવા સંકલ્પ અભિયાન’ – આણંદ જિલ્લો

'સેવા સંકલ્પ અભિયાન' - આણંદ જિલ્લો