વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને હાસલ કરવાનો રસ્તો આત્મનિર્ભરતા અને તેનું શ્રેષ્ઠ સાધન ‘સ્વદેશી’ છે : શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા
Publish Date : 18/09/2026
વડાપ્રધાનશ્રીના જન્મદિવસે વિદ્યાર્થિનીઓ માટે સર્વાઇકલ કેન્સર રસીકરણ અભિયાન તથા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનો પ્રારંભ
સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રેસ ભવનનું ખાતમુહૂર્ત અને સ્વદેશી વસ્તુ ભંડારનો શુભારંભ
આણંદ, ગુરુવાર , અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના નામાભિધાન સાથે જોડાયેલી આણંદ સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજા અને કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ખાતમુર્હુત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના અવિરત સેવા અને સુશાસનની ઉજવણી અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીશ્રીના હસ્તે રૂ. ૪.૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આધુનિક પ્રેસ ભવનનું ખાતમુહૂર્ત અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા નિર્મિત પ્રોડક્ટ્સના ‘સ્વદેશી વસ્તુ ભંડાર’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે વિદ્યાર્થિનીઓ માટે સર્વાઇકલ કેન્સર રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવવાની સાથે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રેરક સંબોધનમાં શિક્ષણ મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે સરદાર પટેલ યુનિવર્સિટી ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રાષ્ટ્રીય હેતુઓ સિદ્ધ કરવા સતત કાર્યશીલ છે. વર્ષ ૧૯૫૫માં સ્થપાયેલી આ યુનિવર્સિટી હાલ આણંદ અને ખેડા જિલ્લાની આશરે ૧૩૪ કોલેજો તથા ૨૭ અનુસ્નાતક વિભાગો દ્વારા ૮૦,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે. યુનિવર્સિટીએ NAAC એક્રેડિટેશનના ચોથા સાયકલમાં ૩.૧ પોઈન્ટ સાથે ‘A’ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સાંપ્રત સમયની માંગને પહોંચી વળવા યુનિવર્સિટી દ્વારા સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને સાયબર લો જેવા નવા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો શરૂ કરીને યુવાનોને વૈશ્વિક તકો માટે સજ્જ કરવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ SSIP અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા જ નિર્મિત વિવિધ પ્રોડક્ટ્સના વેચાણ કેન્દ્ર એવા ‘સ્વદેશી વસ્તુ ભંડાર’ ના નિર્માણની સરાહના કરી ઉપસ્થિત સર્વેને સ્વદેશી વસ્તુઓ અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવાનું લક્ષ્ય નિર્ધારિત છે અને આ લક્ષ્ય સુધી પહોંચવાનો રસ્તો ‘આત્મનિર્ભરતા’ છે, જ્યારે આત્મનિર્ભર બનવા માટેનું શ્રેષ્ઠ સાધન ‘સ્વદેશી’ છે. સ્વદેશી એટલે માત્ર દેશમાં બનેલી વસ્તુઓ ખરીદવી એટલું જ નહીં, પરંતુ પોતાની પ્રતિભા પર વિશ્વાસ, શ્રમનું સન્માન અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવું છે. મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના ‘વોકલ ફોર લોકલ’ ના મંત્રને સાકાર કરવા આહ્વાન કર્યું હતું.
વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે યુનિવર્સિટી દ્વારા યોજાયેલા સર્વાઇકલ કેન્સર રસીકરણ અભિયાનને બિરદાવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભારતમાં બીજા નંબરે સૌથી વધુ જોવા મળતા આ કેન્સર સામે જાગૃતિ અને રસીકરણ અતિ આવશ્યક છે. આ ઉમદા કાર્ય માટે યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ (Alumni) દ્વારા રૂ. ૧૭ લાખનું યોગદાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, યુનિવર્સિટીની સામાજિક જવાબદારીના ભાગરૂપે ‘અન્નપૂર્ણા ફૂડ ફર્સ્ટ’ પહેલ દ્વારા જરૂરિયાતમંદ ૮૦ જેટલા વિદ્યાર્થીઓને સાંજનું નિશુલ્ક ભોજન પૂરું પાડવાના માનવીય કાર્યની પણ મંત્રીશ્રીએ સરાહના કરી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા અને સુશાસનના શાસનકાળનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડનગરના એક સામાન્ય પરિવારમાંથી આવીને ૧૪૦ કરોડ દેશવાસીઓનું નેતૃત્વ કરવાની તેમની અસાધારણ સફર આપણને મહેનત, અનુશાસન, સમર્પણ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના શીખવે છે. ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર દરમિયાન આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વડાપ્રધાનશ્રીના ઉત્તમ સ્વાસ્થ્ય અને રાષ્ટ્ર નિર્માણના સંકલ્પોની સિદ્ધિ માટે ભારતીય સંસ્કૃતિ મુજબ ‘આશીર્વાદનો દીવડો’ પ્રગટાવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ડૉ. નિરંજન પી. પટેલ એ જણાવ્યું હતું કે, “આજનો દિવસ યુનિવર્સિટી માટે ત્રિવેણી સંગમ સમાન છે, જ્યાં સેવા અને સુશાસનના ૨૫ વર્ષની ઉજવણી, વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ અને યુનિવર્સિટીના માળખાગત વિકાસ કાર્યો એકસાથે જોડાયા છે.
આ અવસરે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત “જ્ઞાન ગંગોત્રી ગ્રંથ શ્રેણી” અંતર્ગત પુસ્તક ‘ગણિત દર્શન’નું વિમોચન કરવામાં આવ્યું હતું. સાથોસાથ યુનિવર્સિટી દ્વારા આયોજિત કળા, કલ્પના અને સંસ્કૃતિના સંગમ સમાન આગામી યુવા મહોત્સવ ‘કલાન્તર – ૨૦૨૬’ના સત્તાવાર લોગોનું પણ મંત્રીશ્રીના હસ્તે વિધિવત લોન્ચિંગ સંપન્ન થયું હતું. ઉપરાંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ડિજિટલ ઇન્ડિયા, વસુધૈવ કુટુંબ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિક્ષણ જેવા વિષયો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ, જગતભાઈ પટેલ, સુનિલભાઈ મેહતા, ડેપ્યુટી મેયર કમલેશભાઈ ડાભી, કુલસચિવ શ્રી ડો. ભાઈલાલભાઈ પટેલ, યુનિવર્સિટીના પદાધિકારીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને હાસલ કરવાનો રસ્તો આત્મનિર્ભરતા અને તેનું શ્રેષ્ઠ સાધન ‘સ્વદેશી’ છે : શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા

વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને હાસલ કરવાનો રસ્તો આત્મનિર્ભરતા અને તેનું શ્રેષ્ઠ સાધન ‘સ્વદેશી’ છે : શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા

વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને હાસલ કરવાનો રસ્તો આત્મનિર્ભરતા અને તેનું શ્રેષ્ઠ સાધન ‘સ્વદેશી’ છે : શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા

વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યને હાસલ કરવાનો રસ્તો આત્મનિર્ભરતા અને તેનું શ્રેષ્ઠ સાધન ‘સ્વદેશી’ છે : શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા