વડાપ્રધાનશ્રીના સેવા સમર્પણ પર્વ નિમિત્તે આણંદ જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન
Publish Date : 17/09/2026
આણંદ જિલ્લામાં “સેવા મેરા યોગદાન” સંકલ્પ અંતર્ગત યોજાશે મહા રક્તદાન યજ્ઞ
આણંદ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ૧૭ સપ્ટેમ્બરે વિવિધ સંસ્થાઓ અને સંગઠનોના સહયોગથી જિલ્લામાં ભવ્ય મહા રક્તદાન કેમ્પ યોજાશે
આણંદ, બુધવાર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં સમર્પણના ૨૫ વર્ષ પુરા થવાના ઐતિહાસિક અવસરે સમગ્ર રાજ્યમાં સેવા સંકલ્પ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે આણંદ જિલ્લા વહીવટી તંત્રના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ ને ગુરુવારના રોજ જિલ્લાભરમાં એક વિશાળ રક્તદાન મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
“સેવા મેરા યોગદાન” ના ઉમદા સંકલ્પ સાથે યોજાનારા આ મહા કેમ્પમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન તેમજ સંગઠન અને આણંદ રેડક્રોસ સોસાયટી દ્વારા સંયુક્ત રીતે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
આણંદ ખાતે યોજાનાર આ કેમ્પ સમગ્ર રાજ્યમાં એક જ દિવસે ૨૦૩ બ્લડ કલેક્શન સેન્ટર્સ પર ૬૦,૦૦૦ થી વધુ રક્તદાતાઓને જોડવાના એક મહા સંકલ્પનો એક મહત્વનો ભાગ બનશે.
આણંદ જિલ્લાના નાગરિકો અને યુવાનો સરળતાથી રક્તદાન કરી શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને બ્લડ બેંકો સાથે મળીને અલગ-અલગ વિસ્તારોમાં મુખ્ય સેન્ટર્સ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે ચારુસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન અને શ્રીમતી ચંદાબેન મોહનભાઈ પટેલ બ્લડ બેંક – ચાંગા, ઈન્દુ વોલન્ટરી બ્લડ સેન્ટર – આણંદ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ સેન્ટર – પેટલાદ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી – તારાપુર ખાતે રક્તદાન કેમ્પ કાર્યરત રહેશે.
આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓમાં ડૉ. વી. એચ. દવે હોમિયોપેથિક મેડિકલ કોલેજ – આણંદ, પ્રમુખસ્વામી મેડિકલ કોલેજ અને શ્રી કૃષ્ણા હોસ્પિટલ – કરમસદ તેમજ જી.સી.ઈ.ટી.કોલેજ – બાકરોલ ખાતે પણ આ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહા રક્તદાન કેમ્પમાં યુવાશક્તિની ભાગીદારી વધારવા માટે ચારુતર વિદ્યામંડળના વિદ્યાર્થીઓ, કરમસદ અને વલ્લભ વિદ્યાનગરની વિવિધ કોલેજોના તમામ વિદ્યાર્થીઓ તેમજ એન.એસ.એસ.ના સ્વયંસેવકોને વિશેષ રૂપે સાંકળવામાં આવ્યા છે. આ તમામ નિયત સ્થળો પર ૧૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૯:૦૦ વાગ્યાથી શરૂ કરીને સાંજે ૫:૦૦ વાગ્યા સુધી રક્તદાનની પ્રક્રિયા ચાલશે.
જિલ્લા વહીવટી તંત્ર અને સહયોગી સંસ્થાઓ દ્વારા રક્તદાતાઓની સુવિધા અને સલામતી માટે દરેક સ્થળે તાલીમબદ્ધ મેડિકલ ટીમ અને અત્યાધુનિક સંસાધનો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.
“રક્તદાન એ જ માનવતાની સૌથી મોટી સેવા છે” ના મંત્રને સાર્થક કરવા માટે આણંદ જિલ્લા વહીવટી તંત્ર, ભાજપ સંગઠન અને રેડક્રોસ સોસાયટી દ્વારા જિલ્લાના તમામ નગરજનો, સી.વી.એમ. અને વલ્લભ વિદ્યાનગરની કોલેજોના વિદ્યાર્થીઓ, એન.એસ.એસ.ના સ્વયંસેવકો અને સેવાભાવી લોકોને આ મહા રક્તદાન કેમ્પમાં સ્વૈચ્છિક રીતે જોડાઈને વધુમાં વધુ રક્તદાન કરવા અને “સેવા મેરા યોગદાન” ના રાષ્ટ્રવ્યાપી સંકલ્પને સફળ બનાવવા હાર્દિક અપીલ કરવામાં આવી છે. તમારું એક યુનિટ રક્ત કોઈ કટોકટીના સમયે નવું જીવન આપી શકે છે, તેથી આ મહા દાનમાં જોડાઈને પુણ્યનું કામ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને સહયોગી સંસ્થાઓ દ્વારા જાહેર જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.