આણંદ જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા ૨૦૨૬” અભિયાન યોજાશે
Publish Date : 17/09/2026
તા. ૧૭ સપ્ટેમ્બર થી ૧૭ ઓક્ટોબર સુધી જિલ્લાભરમાં યોજાશે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો
આણંદ,બુધવાર , સ્વચ્છતા માટે સ્વૈચ્છિકતા અને સામૂહિક કાર્યવાહીને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે સમગ્ર દેશની સાથે આણંદ જિલ્લામાં પણ “સ્વચ્છતા હી સેવા ૨૦૨૬” પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના પેય જળ અને સ્વચ્છતા વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગ, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આ અભિયાન ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ સુધી સમગ્ર જિલ્લામાં હાથ ધરાશે.
આ વર્ષે આ રાષ્ટ્રવ્યાપી અભિયાનની મુખ્ય થીમ “સ્વચ્છતા મેં સહભાગ, સ્વચ્છ ભારત, વિકસિત ભારત” રાખવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતા પ્રત્યે પ્રત્યેક નાગરિકની જનભાગીદારી સુનિશ્ચિત કરવી અને સામૂહિક જવાબદારીને પ્રોત્સાહન આપવાનો છે.
આ મહા-અભિયાન અંતર્ગત આણંદ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટી તંત્ર દ્વારા વ્યાપક અને સઘન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે જિલ્લાના વિવિધ સ્થળોને ‘સ્વચ્છતા લક્ષિત એકમો’ તરીકે ઓળખી કાઢી ત્યાં સમયસર સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત જાહેર સ્થળો, બજારો, શાળાઓ, આંગણવાડીઓ, આરોગ્ય કેન્દ્રો, તળાવો અને નાળાઓ જેવા સંવેદનશીલ સ્થળોએ વિશેષ સફાઈ ઝુંબેશ ચલાવીને કાયાપલટ કરવામાં આવશે.
આ અભિયાન માત્ર સફાઈ પૂરતું સીમિત ન રહેતા, સ્વચ્છ પાઠશાલા અંતર્ગત શાળાના બાળકો અને યુવાનોમાં સ્વચ્છતાના સંસ્કારોનું સિંચન કરવા માટે વિવિધ શૈક્ષણિક અને જાગૃતિ કાર્યક્રમો પણ યોજાશે.
અભિયાન દરમિયાન સફાઈની કામગીરી કરતા સફાઈ કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે વિશેષ ‘સફાઈમિત્ર સુરક્ષા અને સન્માન શિબિર’નું આયોજન કરી તેઓનું બહુમાન કરવામાં આવશે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આ અભિયાનની અસરકારક ઉજવણી થાય તે માટે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, સ્થાનિક સંસ્થાઓ, સ્વસહાય જૂથો, યુવા મંડળો અને સ્વચ્છાગ્રહીઓને સાંકળીને આ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને આ સફાઈ અભિયાનમાં જોડાઈને પોતાના ગામ અને શહેરને સંપૂર્ણ સ્વચ્છ, સુંદર અને રોગમુક્ત બનાવવા માટે ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરવામાં આવી છે.