આણંદ કલેક્ટરશ્રી દ્વારા SDGs અને ‘વિકસિત આણંદ@૨૦૪૭’ અંતર્ગત વિકાસલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા
Publish Date : 11/09/2026
વિકસિત આણંદ@૨૦૪૭ના લક્ષ્યાંકો સિદ્ધ કરવા કલેક્ટરનું અધિકારીઓને પરિણામલક્ષી અભિગમ અપનાવવા માર્ગદર્શન
આણંદ જિલ્લામાં વિવિધ સૂચકાંકોમાં નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા વ્યૂહાત્મક આયોજન
આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લાના સર્વાંગી વિકાસને વેગ આપવા અને નિર્ધારિત લક્ષ્યાંકો સમય મર્યાદામાં પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં યોજાયેલી આ બેઠકમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs), વિકસિત આણંદ@૨૦૪૭ અને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ (ADP) અંતર્ગત જિલ્લાના વિવિધ વિકાસલક્ષી સૂચકાંકોની સર્વગ્રાહી પ્રગતિ ચકાસવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યત્વે આરોગ્ય, કૃષિ, શિક્ષણ, પશુપાલન, ડેરી ઉદ્યોગ અને આંતરમાળખાકીય વિકાસ જેવા પાયાના ક્ષેત્રોમાં તા. ૩૦/૦૬/૨૦૨૬ સુધીમાં થયેલી કામગીરી અને હાંસલ કરેલી સિદ્ધિઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે સીધો સંવાદ કરી વિવિધ સૂચકાંકોની વર્તમાન સ્થિતિનું વિશ્લેષણ કર્યું હતું. ખાસ કરીને એવા સૂચકાંકો કે જેમાં ટૂંકા ગાળામાં સુધારો શક્ય છે, જેને ‘લો-હેંગિંગ ઇન્ડિકેટર્સ’ તરીકે ઓળખવામાં આવે છે, તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત જે સૂચકાંકોમાં જિલ્લો ગુજરાત રાજ્યની સરેરાશની નજીક છે અથવા જે ક્ષેત્રોમાં હજુ વધુ મહેનતની આવશ્યકતા છે, તે અંગે અધિકારીઓ સાથે ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે સંતોષકારક સિદ્ધિ ધરાવતા ક્ષેત્રોની સાથે સાથે પ્રગતિની આવશ્યકતા ધરાવતા મુદ્દાઓને પણ પ્રાથમિકતા આપવી અનિવાર્ય છે.
જિલ્લા કલેક્ટરશ્રીએ આ બેઠકમાં માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જે સૂચકાંકોમાં સ્કોર રાજ્યની સરેરાશ કરતા ઓછો છે, ત્યાં સુધારો લાવવા માટે વિભાગોએ વ્યૂહાત્મક આયોજન કરવું પડશે. તેમણે તમામ વિભાગીય વડાઓને સમયબદ્ધ રીતે કામગીરી પૂર્ણ કરવા અને પરિણામલક્ષી અભિગમ અપનાવવા તાકીદ કરી હતી. જિલ્લા અને તાલુકા કક્ષાના અધિકારીઓ વચ્ચે વધુ વધુ સારૂ સંકલન સાધવા અને નિયમિત રીતે કામગીરીની સમીક્ષા કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. વિકાસના તમામ માપદંડો પર જિલ્લો અગ્રેસર રહે તે માટે બાકી રહેલ કામગીરીને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરી ‘વિકસિત આણંદ@૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા કલેક્ટરશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને પ્રેરીત કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે. વી. દેસાઈ, જિલ્લા આયોજન અધિકારીશ્રી સહિતના સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયાં હતા.

આણંદ કલેક્ટરશ્રી દ્વારા SDGs અને ‘વિકસિત આણંદ@૨૦૪૭’ અંતર્ગત વિકાસલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા

આણંદ કલેક્ટરશ્રી દ્વારા SDGs અને ‘વિકસિત આણંદ@૨૦૪૭’ અંતર્ગત વિકાસલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા

આણંદ કલેક્ટરશ્રી દ્વારા SDGs અને ‘વિકસિત આણંદ@૨૦૪૭’ અંતર્ગત વિકાસલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા