Close

આણંદ જિલ્લામાં ખાનગી સિક્યુરિટી ગાર્ડ્સ અને ગનમેનનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત: અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

Publish Date : 11/09/2026

પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓએ ગાર્ડ્સ, ગનમેન અને સુપરવાઈઝરની સંપૂર્ણ વિગતો પોલીસ વિભાગમાં જમા કરાવવી પડશે

આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાના હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાહુલ ગમારા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૩ અન્વયે બહાર પાડવામાં આવેલા આ જાહેરનામા મુજબ જિલ્લામાં કાર્યરત તમામ પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સીઓએ તેમના દ્વારા રોકવામાં આવેલા સિક્યુરિટી ગાર્ડ્સ, ગનમેન અને સુપરવાઈઝરનું પોલીસ વેરિફિકેશન કરાવવું હવે ફરજિયાત રહેશે. આ જાહેરનામું સમગ્ર આણંદ જિલ્લામાં તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યું છે અને ૧૮ ઓગસ્ટ ૨૦૨૬થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા અનુસાર આણંદ જિલ્લામાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો, કેમિકલ ફેક્ટરીઓ, બેંકો, એટીએમ, મોલ્સ અને શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. આણંદ જિલ્લામાં દરેક એજન્સીએ ફરજ પર મુકતા પહેલા કર્મચારીના બાયોડેટા, ફોટાની નકલ સાથે પોલીસ વેરિફિકેશન કરાવવું પડશે.

આ પ્રક્રિયા હેઠળ સુરક્ષા એજન્સીઓએ તેમના તમામ જવાનોની સંપૂર્ણ માહિતી જિલ્લા પોલીસ અધિક્ષક, આણંદના નિયંત્રણ હેઠળની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (S.O.G.) શાખાને આપવાની રહેશે. જે સ્થળોએ સુરક્ષા જવાનોની ફાળવણી કરવામાં આવી હોય, તે સ્થળ અને જવાનની વિગતો પણ સત્વરે પોલીસને જાણ કરવી આવશ્યક છે. જો કોઈ સુરક્ષા એજન્સી કે સંસ્થા આ જાહેરનામાના નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા વેરિફિકેશન વગર કર્મચારીઓને ફરજ પર રાખશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ મુજબ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.