જન્માષ્ટમી પર્વ
Publish Date : 05/09/2026
જન્માષ્ટમી માત્ર ઉત્સવ નહીં, જીવનને કર્મયોગની દિશા આપતો સંદેશ
આણંદ, ગુરૂવાર, ભારતીય સંસ્કૃતિમાં તહેવારો માત્ર ધાર્મિક આસ્થા પૂરતા સીમિત નથી, પરંતુ તેમાં જીવન જીવવાની દિશા, મૂલ્યો અને માનવતાનો સંદેશ પણ સમાયેલો હોય છે. આવો જ એક પાવન પર્વ એટલે જન્માષ્ટમી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવાતી જન્માષ્ટમી ભારતીય સંસ્કૃતિમાં ધર્મ, કર્મ, કરુણા, પ્રેમ અને કર્તવ્યનિષ્ઠાનું પ્રતીક બની રહી છે.
શ્રીકૃષ્ણનું જીવન અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ સકારાત્મકતા અને સંઘર્ષની પ્રેરણા આપે છે. તેમનો જન્મ કારાગૃહમાં થયો, બાળપણ ગોકુળમાં વિત્યું અને જીવનના અનેક તબક્કે પડકારોનો સામનો કરવો પડ્યો. તેમ છતાં દરેક પરિસ્થિતિમાં તેમણે ધર્મ અને સત્યનો માર્ગ છોડ્યો નહીં. આ જ કારણ છે કે શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ આજે પણ માત્ર આસ્થાનું કેન્દ્ર નહીં, પરંતુ જીવનદર્શનનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે.
જન્માષ્ટમીનો સૌથી મોટો સંદેશ કદાચ એ છે કે પરિસ્થિતિ કેવી પણ હોય, મનુષ્યએ પોતાના કર્તવ્યથી અલગ થવું જોઈએ નહીં. મહાભારતના યુદ્ધક્ષેત્રમાં અર્જુનના મનમાં ઊભી થયેલી મૂંઝવણને દૂર કરતાં શ્રીકૃષ્ણે કર્મનું મહત્વ સમજાવ્યું હતું. ‘કર્મ કરવું અને પરિણામની ચિંતા છોડવી’નો આ વિચાર આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં પણ એટલો જ યોગ્ય છે.
આજના સમયમાં યુવાનો સામે કારકિર્દી, સ્પર્ધા, સફળતા અને નિષ્ફળતા જેવા અનેક પડકારો છે. આવા સમયમાં શ્રીકૃષ્ણનું જીવન આપણને શીખવે છે કે સફળતા માત્ર પરિણામમાં નથી, પરંતુ યોગ્ય દિશામાં કરવામાં આવેલા સતત પ્રયત્નમાં પણ છે. નિષ્ફળતા આવે ત્યારે નિરાશ થવાને બદલે તેમાંથી શીખીને આગળ વધવાની પ્રેરણા પણ કૃષ્ણના જીવનમાંથી મળે છે.
જન્માષ્ટમી સાથે જોડાયેલી ગોકુળની યાદ આપણને બાળપણની નિર્દોષતા, પ્રેમ અને સામૂહિક જીવનની સુંદરતા પણ યાદ અપાવે છે. માખણચોરીની બાળલીલાથી લઈને ગોવર્ધન પૂજા સુધીની પરંપરાઓમાં લોકજીવન, પ્રકૃતિ અને સમાજ વચ્ચેના સંબંધની ઝલક જોવા મળે છે. ગોવર્ધન પૂજાની પરંપરા પ્રકૃતિ પ્રત્યે આદર અને પર્યાવરણ સંરક્ષણની ભાવનાને પણ ઉજાગર કરે છે.
આધુનિક સમયમાં જન્માષ્ટમીની ઉજવણીમાં પણ અનેક નવા પાસાઓ ઉમેરાયા છે. મંદિરોમાં ભજન-કીર્તન, શોભાયાત્રા અને મટકી ફોડ જેવા કાર્યક્રમો સાથે સામાજિક સંદેશ આપતાં વિવિધ કાર્યક્રમો યોજાય છે. ક્યાંક રક્તદાન શિબિર, ક્યાંક વૃક્ષારોપણ, તો ક્યાંક જરૂરિયાતમંદોને સહાય જેવા સેવાકીય કાર્યો દ્વારા તહેવારને સમાજસેવા સાથે જોડવામાં આવે છે. આ રીતે તહેવારની ઉજવણી માત્ર ધાર્મિક વિધિ ન રહેતા સામાજિક જવાબદારીનું સ્વરૂપ ધારણ કરે છે.
શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ આપણને એક મહત્વપૂર્ણ વાત પણ શીખવે છે કે જીવનમાં ભૂમિકા બદલાતી રહે છે, પરંતુ મૂલ્યો બદલાવા જોઈએ નહીં. ક્યારેક મિત્ર, ક્યારેક માર્ગદર્શક, ક્યારેક રાજદૂત અને ક્યારેક સારથિ બનીને શ્રીકૃષ્ણે પોતાની જવાબદારી નિભાવી. એટલે જન્માષ્ટમીનો સાચો અર્થ કદાચ એ જ છે કે આપણે જે પણ ભૂમિકા ભજવીએ, તેમાં ઈમાનદારી, કર્તવ્ય અને માનવતાને પ્રથમ સ્થાન આપીએ.
આજના યુગમાં જ્યારે માનવી ભૌતિક સુખ-સગવડની દોડમાં સતત આગળ વધવા પ્રયત્ન કરે છે, ત્યારે જન્માષ્ટમી આપણને થોડી ક્ષણો માટે થંભીને આપણા પોતાના વિચારો, કાર્યો, ભૂલો અને ગુણો વિશે શાંતિથી વિચાર કરવાની તક આપે છે. શ્રીકૃષ્ણનો સંદેશ આપણને યાદ અપાવે છે કે જીવનની સાચી જીત બહારની પરિસ્થિતિઓ પર નહીં, પરંતુ પોતાના વિચારો, કર્મ અને મન પર મેળવેલા વિજયમાં છે.
આથી જન્માષ્ટમી માત્ર ભગવાન શ્રીકૃષ્ણના જન્મની ઉજવણી નથી તે સત્ય સામે અડગ રહેવાની, કર્તવ્ય પ્રત્યે નિષ્ઠાવાન રહેવાની, મુશ્કેલીમાં ધૈર્ય જાળવવાની અને સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવાની પ્રેરણા આપતો પર્વ છે. શ્રીકૃષ્ણના જીવનમૂલ્યોને માત્ર એક દિવસની ઉજવણી સુધી સીમિત રાખવાને બદલે જો આપણે તેને આપણા દૈનિક જીવનમાં ઉતારીએ, તો જન્માષ્ટમીની ઉજવણી ખરેખર સાર્થક બની શકે છે.
રીતુ ટેલર, આણંદ ફેલો