Close

તારીખ 30 ઓગસ્ટના રોજ આણંદ જિલ્લામાં યોજાનાર NEET (PG) પરીક્ષા સંદર્ભે જાહેરનામા દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો જાહેર

Publish Date : 27/08/2026

NEET (PG) પરીક્ષાના પારદર્શી અને શાંતિપૂર્ણ સંચાલન માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટરની ત્રિજ્યામાં અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર મનાઈ

આણંદ, મંગળવાર , આણંદ જિલ્લામાં આગામી ૩૦ ઓગસ્ટ, રવિવારના રોજ યોજાનાર NEET (PG)-૨૦૨૬ની પરીક્ષાના શાંતિપૂર્ણ, સુચારુ અને નિષ્પક્ષ સંચાલન માટે વહીવટી તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે. આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાહુલ ગમારા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ તેમને મળેલ અધિકારની રૂએ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી પરીક્ષા કેન્દ્રોની આસપાસના વિસ્તારોમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આ આદેશ પરીક્ષાના દિવસે એટલે કે ૩૦ ઓગસ્ટને રવિવારના રોજ સવારના ૦૮:૦૦ કલાકથી બપોરના ૧૩:૦૦ કલાક સુધી અમલમાં રહેશે.

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જારી કરાયેલા આ જાહેરનામા અનુસાર, આણંદ જિલ્લાના નિયત કરાયેલા પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યક્તિઓ સિવાય અન્ય કોઈ પણ બિન-અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોની ૨૦૦ થી ૩૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા તમામ ઝેરોક્ષ મશીન, સાયબર કાફે અને ફોટોકોપી સેન્ટરો પરીક્ષાના નિર્ધારિત સમય દરમિયાન બંધ રાખવાના રહેશે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે ચાર કરતા વધુ વ્યક્તિઓના એકઠા થવા કે સભા ભરવા અથવા સરઘસ કાઢવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રમાં કોઈ પણ પરીક્ષાર્થી કે કર્મચારી (સરકારી પ્રતિનિધિ સિવાય) પોતાની સાથે મોબાઈલ ફોન કે સંદેશાવ્યવહારના સાધનો લઈ જઈ શકશે નહીં. ખાસ કરીને એઆઈ-ઈનેબલ્ડ મેટા ગ્લાસીસ (AI-enabled Meta Glasses), બ્લૂટૂથ ઈયરપીસ (Bluetooth-enabled Earpiece) અને મિનિએચર સ્પાય કેમેરા (Miniature Spy Camera) જેવા હાઈ-ટેક ઉપકરણો પરીક્ષા બિલ્ડિંગમાં લઈ જવા પર સખત પ્રતિબંધ છે. આ સાથે જ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૨૦૦ મીટરની ત્રિજ્યામાં લાઉડસ્પીકર, મ્યુઝિક બેન્ડ કે ડી.જે. વગાડવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

આ જાહેરનામું આણંદ જિલ્લાના ચાર મુખ્ય પરીક્ષા કેન્દ્રો પર લાગુ થશે, જેમાં ચાંગા સ્થિત ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, બાકરોલ-વડતાલ રોડ પર આવેલી સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ (SPEC), વલ્લભ વિદ્યાનગરના સિગ્મા કોમ્પ્લેક્સમાં આવેલ દર્શ ઈન્ફોટેક અને આણંદમાં સરદાર પટેલ ઓવરબ્રિજ પાસે આવેલી સી.પી. પટેલ એન્ડ એફ.એચ. શાહ કોમર્સ કોલેજનો સમાવેશ થાય છે.

આ આદેશોનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.