આણંદ ખાતે ફળ અને શાકભાજી પરિક્ષણ અંગે પાંચ દિવસીય તાલીમ યોજાઇ
Publish Date : 24/08/2026
૨૫ તાલીમાર્થી બહેનોને વિવિધ મૂલ્યવર્ધિત બનાવટોની પ્રાયોગિક તાલીમ અપાઈ
તાલીમાર્થીઓને રોજિંદા સ્ટાઇપેન્ડ ઉપરાંત તાલીમના અંતે પ્રમાણપત્રનું વિતરણ કરાયું
આણંદ, શુક્રવાર, આણંદ શહેરી વિસ્તારમાં કુપોષણ નિવારણ અને મહિલા સશક્તિકરણના હેતુથી આણંદ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા પાંચ દિવસીય ‘ફળ અને શાકભાજી પરિરક્ષણ’ અંગેની મહિલા વૃતિકા તાલીમ યોજવામાં આવી હતી. પોચાભાઇ ફાઉન્ડેશનના સંકલનથી યોજાયેલા આ વર્ગમાં ભાગ લેનાર કુલ ૨૫ તાલીમાર્થી બહેનોને પ્રતિદિન રૂ. ૨૫૦/- નું સ્ટાઇપેન્ડ પણ ચૂકવવામાં આવ્યું હતું.
પાંચ દિવસ દરમિયાન બહેનોને ફળ અને શાકભાજીમાંથી બનતી વિવિધ મૂલ્યવર્ધિત બનાવટોનું સ્થળ પર પ્રાયોગિક નિદર્શન આપી તાલીમબદ્ધ કરવામાં આવી હતી. જેમાં લસણનું અથાણું, કાજુ-કારેલાનું અથાણું, ખજૂર-લીંબુનું અથાણું, મિક્સ શાકભાજીનું અથાણું, ટામેટાનો સોસ, ગ્રીન ચીલી સોસ, ગુલકંદ, મિક્સ ફ્રૂટ જામ, આદુ-લીંબુ-ફુદીનાનું સ્ક્વોશ, ટોપરાના લાડુ, કાચી કેરીનું સિન્થેટિક શરબત, મિક્સ ફ્રૂટ ચટણી, આદુ-લસણની પેસ્ટ તેમજ વિવિધ પ્રકારના મુખવાસ બનાવવાની પદ્ધતિઓ શીખવવામાં આવી હતી.
પાંચ દિવસીય તાલીમના અંતિમ દિવસે નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ.સ્મિતાબેન પીલ્લાઈએ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી તેમના અભિપ્રાય મેળવ્યા હતા. તાલીમાર્થી બહેનોએ પોતાના પ્રતિભાવો આપતાં જણાવ્યું હતું કે, આવી તાલીમોથી ખાણીપીણી અને પોષણ અંગે સમાજમાં જાગૃતિ આવે છે. આ તાલીમ દ્વારા આગામી સમયમાં બહેનો પોતાના પરિવારના સ્વાસ્થ્યની કાળજી લેવા ઉપરાંત નાના પાયે ગૃહ ઉદ્યોગ શરૂ કરી આર્થિક રીતે પગભર બની શકશે. આ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર તમામ બહેનોને પ્રમાણપત્ર અને કેનિંગ બુકનું વિતરણ કરવામાં આવ્યું હતું.