રક્ષાબંધન પર્વ નિમિત્તે ટપાલ વિભાગ સ્પીડ પોસ્ટથી રાખડી મોકલવા પર ૧૦% ડિસ્કાઉન્ટ આપશે
Publish Date : 24/08/2026
આણંદ ટપાલ વિભાગ દ્વારા રાખડી પોસ્ટ કરવા માટે વિશેષ રાહત અને વોટરપ્રૂફ કવરની સુવિધા શરૂ
રાખડી મોકલવા માટેના કવર પર “રાખડી” અથવા “RAKHI” શબ્દ સ્પષ્ટપણે અને મોટા અક્ષરોમાં લખવો અનિવાર્ય
આણંદ, શુક્રવાર , આણંદ ટપાલ વિભાગ દ્વારા આગામી રક્ષાબંધન પર્વને અનુલક્ષીને ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક એવી રાખડીઓને સમયસર અને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે એક વિશેષ પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
આ યોજના અંતર્ગત સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ સર્વિસ મારફતે મોકલવામાં આવતી રાખડીઓ પર પોસ્ટલ ચાર્જમાં ૧૦ ટકાની વિશેષ છૂટ આપવામાં આવશે.
આ વિશેષ સવલત તારીખ ૨૬ ઓગસ્ટ ૨૦૨૬ સુધીના સમયગાળા માટે સમગ્ર આણંદ ડિવિઝનમાં ઉપલબ્ધ રહેશે.
આણંદ ડિવિઝનના વરિષ્ઠ અધિક્ષક શ્રી તરુણકુમાર પારગીએ જણાવ્યું છે કે રક્ષાબંધન એ ભારતીય સંસ્કૃતિમાં ભાઈ-બહેન વચ્ચેના અતૂટ બંધન અને સ્નેહને વ્યક્ત કરતું પવિત્ર પર્વ છે. ટપાલ વિભાગ લોકોની આ લાગણીઓને સમજે છે અને તેને પ્રોત્સાહન આપવા માટે સ્પીડ પોસ્ટ સેવા પર આ વિશેષ ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય ટપાલ વિભાગનું વિશાળ અને મજબૂત નેટવર્ક રાખડીઓને દેશના કોઈપણ ખૂણે અત્યંત ઝડપી અને સલામત રીતે પહોંચાડવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.
આ સુવિધાનો લાભ મેળવવા ઈચ્છતા ગ્રાહકોએ રાખડી મોકલવા માટેના કવર પર “રાખડી” અથવા “RAKHI” શબ્દ સ્પષ્ટપણે અને મોટા અક્ષરોમાં લખવો અનિવાર્ય રહેશે. આ ૧૦ ટકાની રાહત માત્ર સ્પીડ પોસ્ટ ડોક્યુમેન્ટ સર્વિસ હેઠળ બુક કરવામાં આવેલા આર્ટિકલ્સ પર જ મળવાપાત્ર થશે. આ ઉપરાંત, ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને રાખડીઓ પરિવહન દરમિયાન પલળી ન જાય તે માટે ટપાલ વિભાગ દ્વારા વિશેષ વોટરપ્રૂફ રાખડી કવરનું વેચાણ પણ પોસ્ટ ઓફિસોમાં શરૂ કરવામાં આવ્યું છે, જે ગ્રાહકોને નજીવા દરે ઉપલબ્ધ થશે.
ટપાલ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના તમામ નાગરિકોને આ વિશેષ વળતર યોજનાનો લાભ લેવા અને ઇન્ડિયા પોસ્ટની વિશ્વસનીય તથા સમયબદ્ધ સેવાઓનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. આણંદ ડિવિઝન હેઠળની તમામ પોસ્ટ ઓફિસોમાં આ સુવિધા નિર્ધારિત તારીખ દરમિયાન કાર્યરત રહેશે.