Close

આણંદ જિલ્લામાં શ્રાવણ માસ, ઈદ-એ-મિલાદ અને રક્ષાબંધનના તહેવારોને ધ્યાને રાખી હથિયારબંધી અને સભાબંધીનો આદેશ

Publish Date : 14/08/2026

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર આણંદ જિલ્લામાં ૧૭ થી ૩૧ ઓગસ્ટ સુધી પ્રતિબંધાત્મક જાહેરનામું અમલી

કાયદો અને વ્યવસ્થા જાળવવા આણંદ વહીવટી તંત્ર સજ્જ : ચારથી વધુ વ્યક્તિઓના એકત્ર થવા પર પ્રતિબંધ

આણંદ, ગુરૂવાર , આણંદ જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસ, ઈદ-એ-મિલાદ અને રક્ષાબંધનના તહેવારો દરમિયાન સમગ્ર જિલ્લામાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ જળવાઈ રહે તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાહુલ ગમારા (G.A.S.) દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ સમગ્ર જિલ્લામાં પ્રતિબંધાત્મક હુકમો કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ આગામી તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૬ થી તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ સુધી અમલી રહેશે, જેનો હેતુ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવાનો છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસાર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોય છે અને મેળાનું આયોજન પણ થતું હોય છે. વધુમાં ૨૬ ઓગસ્ટના રોજ ઈદ-એ-મિલાદ અને ૨૮ ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવનાર હોવાથી લોકોની સુરક્ષા અને જાહેર સુલેહ-શાંતિ જળવાય તે અનિવાર્ય છે. આ બાબતને ધ્યાને રાખીને સમગ્ર જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશ ફરમાવતુ જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે, જે સમગ્ર આણંદ જિલ્લાના તમામ વિસ્તારો, રસ્તાઓ, ફૂટપાથ અને જાહેર મકાનોને લાગુ પડશે.

આ જાહેરનામા મુજબ કોઈપણ વ્યક્તિ હથિયાર, તલવાર, ભાલા, ધોકા કે લાકડી જેવા શારીરિક ઈજા કરી શકાય તેવા સાધનો સાથે ફરી શકશે નહીં. આ ઉપરાંત સળગતી મશાલ કે અન્ય જોખમી પદાર્થો લઈ જવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેર વ્યવસ્થા જાળવવા માટે સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વિના ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકઠા થવા પર, કોઈ સભા ભરવા પર કે સરઘસ કાઢવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. જોકે, આ આદેશ સરકારી નોકરીમાં હોય અથવા ફરજ પર હોય તેવા કર્મચારીઓ તેમજ અશક્ત વ્યક્તિઓને લાગુ પડશે નહીં.

આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.