તા.૧૪ ઓગસ્ટ ના રોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી આણંદ જિલ્લાના પ્રવાસે : નવીન જિલ્લા જેલનું લોકાર્પણ અને ભવ્ય તિરંગા યાત્રામાં લેશે ભાગ
Publish Date : 14/08/2026
આણંદ, ગુરૂવાર , ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી તારીખ ૧૪ ઓગસ્ટ, શુક્રવારના રોજ આણંદ જિલ્લાના એક દિવસીય પ્રવાસે પધારશે. નાયબ મુખ્યમંત્રીશ્રી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દ્વારા આણંદ પહોંચશે.
નાયબ મુખ્યમંત્રીશ્રી વલ્લભ વિદ્યાનગર ખાતેના શાસ્ત્રી મેદાન ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં સહભાગી થશે. તિરંગા યાત્રા બાદ નાયબ મુખ્યમંત્રીશ્રી આણંદ જિલ્લાના બાકરોલ ખાતે નવનિર્મિત જિલ્લા જેલનું લોકાર્પણ કરશે તેમજ નડિયાદ જિલ્લા જેલના બિલોદરા ખાતે તૈયાર કરાયેલા નવા પોલીસ આવાસોનું પણ ઇ-લોકાર્પણ કરશે.
આ પ્રસંગે કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર શ્રી દીપિકાબેન પટેલ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, આણંદ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, મનપાના કોર્પોરેટરશ્રીઓ, જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, પ્રોફેસરશ્રીઓ, પોલીસ વિભાગના અધિકારી, કર્મચારીઓ, હોમગાર્ડના જવાનો, નગરજનો અને વિશાળ સંખ્યામાં એનસીસી કેડેટ્સ સહિત વિદ્યાર્થીઓ સહિત જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ તથા મહાનુભાવો આ તિરંગા યાત્રામાં સહભાગી બનશે.